આદિવાસીઓની વનબંધુ યોજનાના ૫૫,૦૦૦ કરોડ કોણ ખાઇ ગયું ? : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 8 ડીસેમ્બર, 2017, શુક્રવાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત મુદ્દે ૧૦મો સવાલ કર્યો હતો. તેઓ ટ્વિટર પર સવાલો કરી રહ્યા છે, જેના ભાગરુપે આ દસમો સવાલ પૂછ્યો હતો. તેઓએ આ વખતે આદીવાસીઓનો મામલો ઉઠાવ્યો હતો.

તેઓએ સવાલ કર્યો હતો કે મોદીજી વનબંધુ યોજના માટેના ૫૫,૦૦૦ કરોડ રૃપિયા ક્યાં ગયા ? આદિવાસીઓ જ્યાં રહે છે ત્યાં કોઇ જ પ્રકારનો વિકાસ નથી થયો. વનબંધુ યોજના અંતર્ગત જે ૫૫,૦૦૦ કરોડ રૃપિયા ફાળવ્યા હતા તે ક્યાં ગયા ?

આદીવાસીઓ પાસેથી જમીન છીનવીને ઉધ્યોગપતીઓને અપાઇ રહી છે. જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે જે તેમને નથી મળી રહ્યો. અનેક જમીનના કોન્ટ્રાક્ટ જંગલોમાં સરકારે હાથ ધર્યા છે. ગુજરાતના આદિવાસીઓને સારી સ્કૂલ નથી મળી, હોસ્પિટલની સુવિધાનો અભાવ છે. જે આદિવાસીઓ જમીન વિહોણા છે તેમને ઘર નથી, બેરોજગાર અદીવાસીઓને રોજગારી નથી મળી રહી.

રાહુલ ગાંધી પોતાના સવાલ માટે એક ટેગલાઇનનો ઉપયોગ કરે છે, તેઓ કહે છે ૨૨ સાલ કા હિસાબ, ગુજરાત માંગે જવાબ. તેઓએ આ વખતે આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવ્યા હતા. અગાઉ તેઓ ટ્વિટર પર ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર, ગુનાનું વધી રહેલું પ્રમાણ, ખેડૂતોની દયનીય સ્થિતિ વગેરે મુદ્દાઓ ઉઠાવી ચુક્યા છે. દરરોજ રાહુલ ગાંધી એક સવાલ ગુજરાતને લઇને મોદીને પૂછે છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/who-has-eaten-55-000-crore-of-vanbandhu-scheme-of-tribals-rahul