ભવ્ય ભૂતકાળઃ ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસની જાઝરમાન ઈતિહાસ

ભારતના સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની તાજપોશીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૧૯ વર્ષ બાદ સોનિયા ગાંધીએ પોતાની ગાદી રાહુલ ગાંધીને સોંપી રહ્યા છે. આ વેળાએ કોંગી અગ્રણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વેળાએ ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસના જાજરમાન ઈતિહાસની એક ઝલક જોઈએ તો… ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ… ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ… કે જે મોટાભાગે કોંગ્રેસ નામે જ દેશભરમાં પ્રસિદ્ધ છે.

આમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના બ્રિટીશ કાળ વેળાએ થઈ… ૨૮મી ડિસેમ્બર ૧૮૮૫ના રોજ બોમ્બેના ગોલુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ૭૨ પ્રતિનિધિઓની હાજરીમાં થઈ હતી અને એમના સંસ્થાપક મહાસચિવ એ. ઓ હ્યુમ હતા અને તેમણે વ્યોમેશચંદ્ર બેનરજીને અધ્યક્ષ નિયુકત કર્યા.

ખરેખર જોવા જઈએ તો સ્વરાજ લક્ષ કોંગ્રેસમાં ફૂકનાર સૌપ્રથમ બાલગંગાધર તિલક હતા. આ વેળાએ એટલે કે આશરે ૧૯૦૭માં વર્ષના સમયગાળામાં કોંગ્રેસમાં જાણે બે ભાગ થઈ ગયા હતા. ગરમ દળ અને નરમ દળ…

જેમાં ગરમ દળનું નેતૃત્વ બાળગંગાધર તિલક, લાલા લજપતરાય અને બિપીન ચંદ્રપાલ કરી રહ્યા હતા જયારે નરમ દળનું નેતૃત્વ ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા અને દાદાભાઈ વરોજજી કરી રહ્યા હતા. જેમાં ગરમ દળ પૂર્ણ સ્વરાજની માંગ કરી રહ્યુ હતું તો નરમ દળ બ્રીટીશ રાજમા પોતાનંુ શાસન ચાહતું હતું.

આ બંને દળોની અલગ અલગ વિચારસરણીને લઈને કોંગ્રેસની તાકાત ઘટી રહી હતી આખરે ૧૯૬૧માં લખનૌમાં યોજાયેલ બેઠકમાં બંને દળો એક થઈ ગયા અને બ્રિટીશ રાજમા ભારત માટે ડોમીનિયન સ્ટેટસની માંગ કરી.

પરંતુ ૧૯૧૫માં ગાંધીજીનું ભારતમાં આગમનને લઈ અચાનક આવ્યો વણાંક… જાણે કોંગ્રેસ એક જન આંદોલન બની ગઈ… ૧૯૧૯માં જલીયાવાલા બાગ હત્યાકાંડ પછી ગાંધીજી કોંગ્રેસના મહા સચિવ બન્યા અને એમના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ જનસમૂહની સંસ્થા બની ગઈ.

આ સમય દરમિયાન કોંગ્રેસમાં નવી પેઢીઓના નેતાઓનો ઉમેરો થયો અને જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરૂ, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને મહાદેવ દેસાઈ… ગાંધીજીના નેતૃત્વમાં પ્રદેશ કોંગ્રેસ કમીટીઓનું નિર્માણ થયુ. રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે સ્વાભાવિક રીતે પૈસાની જરૂરીયાત ઉભી થતાં નામ પૂરતી સભ્ય ફી રાખી ખાસ્સી રકમ એકઠી કરી અને બલિદાનો અનેક મુશ્કેલીઓ… આખરે ભારતને સ્વતંત્રતા મળી.

૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કોંગ્રેસ દેશની મુખ્ય રાજનૈતિક પાર્ટી બની રહી આ દળના કેટલાય નેતા ભારતના વડાપ્રધાન પણ રહી ચૂકયા છે. કોંગ્રેસમાં સમય અનુસાર બદલાવ આવતો રહ્યો. આઝાદી પછીના સમયની વાત કરીએ તો પ્રારંભમાં જવાહરલાલ નેહરૂ અને લાલબહાદુર શાસ્ત્રી યુગ રહ્યો.

ત્યારબાદ લોખંડી મહિલાનું બિરૂદ મેળવનાર ઈન્દિરા ગાંધીનો યુગ શરૂ થયો. માત્ર ભારત જ નહિં વિશ્વના અનેક દેશોમાં પણ ધૂમ મચાવી પરંતુ ભારતના કમ નસીબે તેમની હત્યા થતા ત્યારબાદ રાજીવ ગાંધી યુગ શરૂ થયો અને તેઓ પણ પોતાની કાર્યશૈલીથી છવાયા. પરંતુ તેમની પણ હત્યા થતાં પક્ષનો સંપૂર્ણ ભાર સોનિયા ગાંધીના શીરે આવ્યો.

પક્ષમાં વિરોધનો વંટોળ… વિપરીત સ્થિતિઓ… વિરૂદ્ધ સમીકરણો… ટેકેદારો બન્યા વિરોધી…. તમામ સ્થિતિનો સામનો કરી સોનિયાએ પક્ષને પણ મજબૂત બનાવ્યો અને દેશને સ્થિર સરકાર આપવાનો પ્રયાસ કર્યો. ૧૯૯૮થી આજ દિન સુધી એટલે કે છેલ્લા ૧૯ વર્ષથી કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. હવે સ્વાસ્થ્ય… ઉંમર…. તેમજ રાજકીય સમીકરણોને ધ્યાનમાં લઈ પક્ષની કમાન રાહુલ ગાંધીને સોંપી રહ્યા છે.

Source: http://www.akilanews.com/05122017/gujarat-news/1512454894-66879