કોંગ્રેસનો ચૂંટણી સંકલ્પપત્ર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.૧૦ ઘટાડાશે : પાટીદારોને અનામત; મહિલાઓને ઘરનું ઘર

અમદાવાદ,તા.૪

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે વિવિધ ક્ષેત્ર અને જ્ઞાતિ મુજબ મંગાવેલા સૂચનોને આધારે તૈયાર કરેલા ચૂંટણી ઢંઢેરાની આજે જાહેરાત કરી હતી. જેમાં ખાસ કરીને ખેડૂતો, મહિલાઓ, પાટીદારો, ઓબીસી, લઘુમતીઓ, નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ, બેરોજગારો સહિત તમામ વર્ગને સ્પર્શતા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. ખેડૂતોના દેવા માફી, વિના મૂલ્યે પાણી, મહિલાઓને ઘરનું ઘર, પાટીદારોને અનામત, બેકારોને ભથ્થું, પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.૧૦નો ઘટાડો, વીજળીના દરમાં પ૦ ટકા સુધીનો ઘટાડો સહિત અનેક વચનોની લ્હાણી કરી હતી. આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત હાજર રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચંૂટણી ઢંઢેરામાં પટેલોને અનામતના કવોટામાં ફેરફાર કર્યા વગર અનામત અપાશે. ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં રૂા.૧૦ સુધીનો ઘટાડો કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી માટે રાજયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ફિકસ પગાર પ્રથા અને કરાર આધારિત પ્રથાનો અંત લવાશે. મહિલાઓને કોઈપણ જાતના ભેદભાવ વગર મકાન અપાશે, ખેડૂતોને મફત પાણી અને ૧૬ કલાક વીજળી આપવાની પણ ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતમાં વધુ પડતા વીજળીના બિલને પણ ચૂંટણી ઢંઢેરામાં સમાવવામાં આવ્યો છે. બિલમાં પ૦ ટકા સુધીનો ઘટાડો કરાશે. ચૂંટણી ઢંઢેરામાં રોજગાર, ખેતી, ખેડૂત, પટેલ, ઓબીસી, મહિલાઓ અને ન્યાય સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ ચૂંટણી ઢંઢેરાની વિશેષતા એ છે કે તેમાં ર૪ જેટલા ચેપ્ટર છે એક ચેપ્ટરમાં ૩૦ મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી ઢંઢેરા માટે ૧પથી ર૦ હજાર જેટલા સૂચનો આવ્યા હતા. તેને વર્ગીકૃત કરી ૧૦૦૦ જેટલા મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓને સમાવીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો છે. હકીકતમાં તો આ ચૂંટણી ઢંઢેરો નથી પણ સંકલ્પપત્ર છે જેમાં સમાજના દરેક વર્ગ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે.

આર્થિક પછાત વર્ગના બિન અનામત વર્ગ (ઈબીસી) માટે અનામત
• પાટીદાર આંદોલન બાદ બિન અનામત સમાજના લોકોને શિક્ષણ અને રોજગારીની સમાન તક મળે તે માટે એસસી/એસટી/ઓબીસીને હાલની અપાયેલ ૪૯ ટકા અનામતમાં કોઈપણ જાતનો ફેરફાર કર્યા વગર, કોંગ્રેસ પક્ષ આવનારી વિધાનસભામાં જેટલું બને તેટલું જલ્દી બંધારણના આર્ટિકલ ૩૧ (સી)ને ધ્યાનમાં રાખી બંધારણના આર્ટિકલ ૪૬ના પ્રાવધાનોને આધારિત બિલ વિધાનસભામાં લાવશે.
• આ બિલ અન્વયે જે સમુદાયોનો આર્ટિકલ ૪૬મા ઉલ્લેખ છે અને જેમને બંધારણના આર્ટિકલ ૧પ (૪) અને ૧૬ (૪) હેઠળ જેમને લાભ નથી મળ્યો તેવા સમુદાયોને શૈક્ષણિક અને આર્થિક ઉપર્જનનો સમાન ન્યાય અપાવવા માટે હાલમાં ઓબીસીને મળતા તમામ લાભ આ સ્પેશિયલ કેટેગરીને ઉપલબ્ધ કરાવાની જોગવાઈ કરાશે. એ માટે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરી, એક કમિશનની રચના કરવામાં આવશે.
• આ ઉપરાંત અગાઉ આર્થિક પછાત/સવર્ણ આયોગની રચના બાબત પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

લઘુમતી વર્ગ માટે શું કરાશે ?
(૧) રાજ્ય લઘુમતી આયોગની રચના કરાશે, ૧પ સુત્રીય કાર્યક્રમનો પ્રમાણિક અમલ કરવામાં આવશે અને વિકાસની સમાન તકોની ઉપલબ્ધી.
(ર) વકફ બોર્ડને સુદ્રઢતા
(૩) લઘુમતી સમાજના બેરોજગાર યુવાનો, મહિલાઓને સ્કીલ ડેવલોપમેન્ટ/ સ્વરોજગારી માટે સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ અને ૧૦૦ ટકા સુધીના ધિરાણની વ્યવસ્થા.
(૪) ઘર વિહોણાઓ/ એલ.આઈ.જી. માટે મોટાપાયે આવાસોનું નિર્માણ.

Source: http://www.gujarattoday.in/congress-no-election-sankalppatra/