રાહુલ ગાંધી મંગળવારથી ત્રણ દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં જનસભાઓને સંબોધશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુદ્ધ જામ્યું છે. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભાજપના ચૂંટણીપ્રવાસે આવ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગણાતા પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. પાંચમી ડિસેમ્બરથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૫મી ડિસેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચાર જેટલી જનસભાઓને સંબોધશે.

જેમાં મંગળવારે બપોરે ૧૨.૩૦ કલાકે રાહુલ ગાંધી ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચશે. બપોરે ૧ વાગ્યે અંજાર ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે ત્યાર બાદ બપોરે ૨.૨૦ કલાકે ગાંધીધામથી મોરબી જવા રવાના થશે. જ્યા બપોરે ત્રણ વાગે મોરબીમાં પાર્ક પાર્ટી પ્લોટ્સમાં જનસભાને સંબોધશે ત્યાંથી બપોરે ૪ વાગે મોરબીથી ધ્રાંગધ્રા જવા રવાના થશે. ૪.૪૫ કલાકે ધ્રાંગધ્રાના જનતા કોલન ફેક્ટરીના મેદાનમાં જનસભાને સંબોધશે. સાંજે ૫.૪૫ કલાકે ધ્રાંગધ્રાથી બસ મારફતે રાહુલ ગાંધી વઢવાણ પહોંચશે જ્યાં સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે ૭ વાગે જનસભાને સંબોધશે. રાહુલ ગાંધી રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે કરશે. બુધવારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ ખેડીને ગુરુવારે મધ્ય ગુજરાતમાં વિવિધ સ્થળોએ જાહેરસભાને સંબોધશે.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=387541