મહિલા તસ્કરીમાં ગુજરાત ત્રીજા ક્રમે, ગુનામાં અમદાવાદ, સુરત ટોચ પર કેમ ? : રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 3 ડીસેમ્બર, 2017, રવિવાર
થોડા દિવસ પહેલા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનામાં ભારતના ટોચના ૧૦ શહેરોમાં અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થયો છે. આ પરિસ્થિત વચ્ચે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે આડેહાથ લીધા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત નથી. જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે તેઓએ માત્ર મોટા મોટા વચનો જ આપ્યા હતા. ગુજરાત દેશમાં મહિલા તસ્કરીમાં ત્રીજા ક્રમે છે. રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે મોદીજી ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરત મહિલાઓ પર અત્યાચારમાં દેશમાં ટોચના શહેરોમાં છે. તમે તો સુરક્ષાના દાવા કરો છો તો આવું કેમ થઇ રહ્યું છે ગુજરાતમાં ?
દિકરીઓના શિક્ષણમાં ગુજરાત કેમ ૨૦માં સ્થાને છે ? મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે ૫૭.૮ ટકાથી ઘટીને કેમ ૫૭.૮ ટકા પર આવી ગયું ? ગુજરાતમાં માતા બનનારી મહિલાઓના મૃત્યુ દરમાં કેમ વધારો થઇ રહ્યો છે, અને આ મામલે મોદીજી શું પગલા લઇ રહ્યા છે ?
રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલોનો મારો ચલાવ્યો છે. આ સીરીઝમાં તેઓ મોદીને અગાઉ પણ અનેક સવાલો પૂછી ચુક્યા છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/gujarat-is-at-third-position-in-women-s-trafficking