ગુજરાત મોડલ ભૂલભરેલું છે, તળિયેથી ઉપર જતો વિકાસ જોઈએ: સામ પિત્રોડા
December 3, 2017 | 7:13 pm IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ ભાજપ દ્વારા જેનો પ્રચાર થઈ રહ્યો છે તે વિકાસના ગુજરાત મોડલ ભૂલભરેલો હોવાનું જણાવ્યું છે. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 1980ના દાયકામાં દેશમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે રાજ્યને તળિયેથી ઉપર જાય (બોટમ – અપ) તે રીતના વિકાસ અભિગમની જરૂર છે. ગરીબો અને હાંસિયામાં જીવી રહેલા લોકોને ભોગે મોટા કોર્પોરેટ ગૃહોની તરફેણ કરી રહેલા ટોચ પરથી નીચે તરફ( ટોપ- ડાઉન મેથડ) આવી રહેલા વિકાસ મોડલની જરૂર નથી.
તેમણે કહ્યું હતું કે ગુજરાતને ગાંધીવાદી વિકાસ મોડલની જરૂર છે કે જેને રોકાણ સમિટોમાં કેટલા કરોડનું રોકાણ લાવવામાં સફળતા મળી તેની સાથે નિસ્બત નથી. તેનો અર્થ એ નહીં કે મોટા કોર્પોરેટ ગૃહની અવગણના કરવી. પરંતુ રાજ્યમાં ગરીબો માટે કેટલું કામ થાય છે તે આધારે પરિવર્તન લાવી શકાય. એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં સામ પિત્રોડાએ આ મુજબ જણાવ્યું હતું.
સામ પિત્રોડા ગાંધી પરિવારથી નજીક માનવામાં આવે છે. તાજેતરમાં રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસનું આયોજન પણ તેમણે કર્યું હતું. ગયા મહિને ગુજરાતનો પ્રવાસ ખેડીને વિવિધ જૂથો સાથે સંવાદ કરીને રાજ્ય માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં પણ તેમણે ભૂમિકા અદા કરી હતી.
જીડીપી વૃદ્ધિદર સામાન્ય માનવીના જીવનને બદલે તે જરૂરી
સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે જીડીપી વૃદ્ધિદર જેવી પરિભાષા સારી લાગે છે. પરંતુ સામાન્ય ગુજરાતીઓના જીવન સુધી તે વૃદ્ધિદરની અસર પહોંચે છે? આ પ્રશ્ન ઉઠાવતાં સામ પિત્રોડાએ તળિયેથી ઉપર તરફ જતા વિકાસની તરફદારી કરી હતી. તેમણે કહ્યું હતું કે ગરીબો અને તવંગરો વચ્ચેની ખાઈ વધી હોવાના સંજોગોમાં રાજ્યને નવા પ્રકારના વિકાસની જરૂર છે.
Source: http://sandesh.com/gujarat-model-flawed-state-needs-bottom-up-development-sam-pitroda-read-more-at-economictimes-indiatimes-comarticleshow61901943-cmsutm_sourcecontentofinterestutm_mediumtextutm_campai/