મારા દાદી,મારો પરિવાર શિવભક્ત છે, ધર્મ મુદ્દે રાજકારણ ન હોઇ શકે : રાહુલ ગાંધી

અમદાવાદ, તા.30 નવેમ્બર, 2017, ગુરૂવાર સોમનાથ મંદિરમાં બિનહિન્દુ રજીસ્ટરમાં રાહુલ ગાંધીના નામના મુદ્દે વિવાદ ચગ્યો છે. અમરેલીમાં વેપારીઓ સાથેની બેઠકમાં હિન્દુ વિવાદ પર પહેલીવાર રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરી કે, મારા દાદી જ નહીં,મારો પરિવાર શિવભક્ત છે. આમાં જાહેર બોલવાથી શું ફાયદો,આ મારો ધર્મ છે. બધીય ચીજનો વેપાર-દલાલી ન હોય. અમે ધર્મની રાજનિતી કરતાં નથી. મારે કોઇના સર્ટિફિકેટની જરૃર નથી.

ગુજરાતમાં બે દિવસીય ચૂંટણીપ્રવાસે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરેલીમાં જીએસટી,નોટબંધીને લીધે નાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી વેપાર-ધંધા પર થયેલી અસરો -મુશકેલી જાણી હતી.

આ બેઠકમાં તેમણે પહેલીવાર સોમનાથ મંદિરના હિન્દુ વિવાદના મુદ્દે કહ્યું કે, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ મિત્ર હતાં. સરદાર પટેલ આરએસએસના વિરોધી રહ્યા હતાં. આ કારણોસર આરએસએસ તેમને વિરોધી તરીકે ચિતર્યા હતાં. નહેરુ-સરદાર વચ્ચેની દુશ્મનીની વાત ખોટી છે.વાસ્તવમાં બંન્ને મિત્રો હતાં. જેલમાં ય સાથે રહ્યા હતાં.

સોમનાથ મંદિરની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલે જણાવ્યું કે, મંદિરની વિઝીટર બુકમાં મારી સહી હતી.પણ બિનહિન્દુ રજીસ્ટરમાં ભાજપે મારા નામે સહી કરી દીધી હતી. વેપારીઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ આરએસએસ-ભાજપ પર ટિકા કરતો વિડીયો સોશિયલ મિડિયામાં ય વાયરલ થયો હતો.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/can-not-be-politics-on-religion-rahul-gandhi