આજે અમરેલીમાં રાહુલ ગાંધીનું આગમન દલિત-પછાત વિસ્તારમાં રોડ-શો

અમરેલી, તા.૨૮
અમરેલીમાં આવતીકાલે બુધવારે સાંજે કોંગ્રેસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીનું આગમન થશે. શહેરના અતિ પછાત એવા દલીત વિસ્તાર તેમજ લઘુમતી અને કોળી વિસ્તારમાં રોડ શો યોજી અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટી કાઢવા અપીલ કરશે અને ત્યારબાદ અમરેલીના મંદિરે દર્શન કરી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે અને રાત્રીના એક જંગી સભા યોજશે. જેમાં જિલ્લાના પાંચેય કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા અપીલ કરશે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના અમરેલીમાં આગમનને લઇ કોંગ્રસના આગેવાનોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે.અમરેલીમાં ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારી બગસરાના ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીના સમર્થનમાં ચલાલા ખાતે આવી એક જંગી જાહેરસભા યોજ્યા બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને યુવાનો તેમજ મહિલાઓમાં અતિ લોકચાહના ધરાવતા રાહુલ ગાંધી બુધવારે સાંજે પધારી રહ્યા છે.

રાહુલ ગાંધી આવતીકાલે બુધવારે સાંજે ૫ વાગ્યે અમરેલીમાં પધારશે અને શહેરના અતિ પછાત વિસ્તાર સાવરકુંડલા રોડ ઉપર આવેલ વણકરવાસ, કોળીવાડ, મારવાડી મહોલ્લા, ફુલારાચોક સહિતના વિસ્તારમાં રોડ શો યોજશે અને ત્યાંથી જીવરાજ મેહતા ચોક થઈને નાગનાથ મંદિર ખાતે દર્શન કરવા જશે અને સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે બાદમાં રાત્રીના સિનિયર સીટીજન પાર્ક ખાતે એક જંગી જાહેરસભા યોજશે અને જિલ્લાના અમરેલી બેઠકના પરેશ ધાનાણી તેમજ બાબરા બેઠકના વીરજીભાઈ ઠુંમર, સાવરકુંડલા બેઠકના પ્રતાપ દુધાત અને ધારી બેઠકના જે વી કાકડિયા અને રાજુલા બેઠકના અમરીશ ડેર સહિતના ઉમેદવારને જીતાડવા લોકોને આપીલ કરશે. રાહુલ ગાંધીના અમરેલી આગમનને લઇ ભાજપના નેતાઓમાં ભારે કચવાટ ઉદભવેલ છે.

Source: http://www.gujarattoday.in/aje-amreli-ma-rahul-gandhinu/