ગુજરાત મોડલ સહિત સ્થાનિક મુદાઓ ઉપર ભાજપને ઘેરશે કોંગ્રેસ
નવી દિલ્હી તા.ર૯:
ગુજરાતની ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ બંને મરણીયો પ્રચાર કરી રહ્યા છે. એક કંઇક અલગ કરે તો બીજો તરત જ તેની કાટ કાઢવામાં લાગી જાય છે. જીએસટી, નોટબંધી, ગુજરાતના વિકાસ મોડલ અને બેરોજગારીના મુદાને લઇને વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ભીંસમાં લેવાતા ભાજપે પોતાના નેતાઓ અને પ્રધાનોની ફોજ ઉતારી દીધી છે. આ નેતાઓ કોંગ્રેસના મુદાઓનો વળતો જવાબ આપી રહ્યા છે એટલુ જ નહી વિકાસના મોડલને લઇને પોતાનો પક્ષ પણ સાથે રાખી રહ્યા છે. કોંગ્રેસ હવે ભાજપ અને સરકારની આ કવાયતનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં છે જે હેઠળ કોંગ્રેસના તમામ નેતાઓ અને પુર્વ કેન્દ્રીય મંત્રી અમદાવાદ અને ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે એટલુ જ નહી અન્ય શહેરોમાં પણ મીડીયા સાથે વાત કરી રહ્યા છે.
કોંગ્રેસની યોજના છે કે લોકલ મુદાને લઇને સ્થાનિક સ્તર પર ભાજપના દાવાઓની પોલ ખોલવામાં આવે. કોંગ્રેસની રણનીતિનો ખુલાસો કરતા સુત્રોનુ કહેવુ છે કે રાષ્ટ્રીય મુદાને લઇને પીએમ મોદી અને ભાજપના પ્રધાનો જે સવાલો કરી રહ્યા છે કે પોતાનો પક્ષ રાખી રહ્યા છે તેને તો અમે સંસદમાં તેમની પાસે સવાલના જવાબ લેશુ પરંતુ ગુજરાતમાં ભાજપ વિકાસના મોડલના ઢોલ પીટે છે અને લોકોને ભાવનાત્મક રીતે ખેંચવાનો પ્રયાસ કરે છે તેનો જવાબ આપવાની જરૂર છે અમે આનો જવાબ આપી રહ્યા છીએ.
કોંગ્રેસની યોજના છે કે હવે લોકલ મુદે ભાજપને ઘેરવુ. ભાજપના નેતા કોઇ મુદાને મહત્વનો ગણાવે તો કોંગ્રેસ પણ સામો જવાબ આપે તેવી રણનીતિ તૈયાર થઇ છે. આવતા દિવસોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરો ઉપરાંત નવસારી, ભરૂચ, વલસાડ જેવા સ્થળે મીડીયા થકી પલટવાર અને સરકારને ઘેરવાની યોજના છે. સુત્રોના કહેવા મુજબ રોજ કોંગ્રેસના ૩ થી ૪ નેતાઓ અલગ-અલગ શહેરોમાં મીડીયાને મળી રહ્યા છે. હવે આનંદ શર્મા, રાજ બબ્બર, મનીષ તિવારી, અજય માકન, કેપ્ટન અમરીન્દરસિંહ વગેરે મીડીયાને મળશે.
કોંગ્રેસ ગુજરાતમાં જીએસટી, નોટબંધી ઉપરાંત રાજયના મુદાને ઉઠાવશે. ગુજરાતના ર૦ લાખ બેકાર યુવાનોનો મોટાપાયે મુદો ઉઠાવશે. આ ઉપરાંત બે દાયકાથી બંધ થયેલા ૬૦,૦૦૦થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો, સાક્ષરતાના મામલે દેશમાં ૧૮માં ક્રમે, ગુજરાતમાં મોંઘવારી, બે દાયકામાં પણ નર્મદા કેનાલનું અડધુ કામ ન થવુ તથા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદાઓ ઉઠાવશે. ખાસ કરીને ગુજરાતના મોડલનો મુદો ઉઠાવાશે.
Source: http://www.akilanews.com/29112017/main-news/1511930745-118767