રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરૂએ પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાનના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જસદણ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર 4 પાટીદાર મુખ્યમંત્રીને સત્તા મેળવવા માટે હેરાન કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ઇંદ્રનીલ રાજ્યગુરુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સીધા આક્ષેપો કર્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું કે, વિજય રૂપાણીની જે ઓડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ છે. તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ જાતિવાદની રાજનીતિ કરે છે. તો સાથોસાથ પ્રધાનમંત્રી પર સીધા આક્ષેપો કરતાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં કહે છે કે, 4 પાટીદાર મુખ્યમંત્રીઓને કોંગ્રેસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. જો કે હકીકત એ છે કે, કેશુભાઈ પટેલને ખુદ નરેંદ્ર મોદી દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા. જ્યારે આનંદીબેનના રાજીનામાં પાછળ ખુદ ભાજપ અધ્યક્ષ અમિત શાહનો હાથ છે. ત્યારે તેમણે કોંગ્રેસ પર કરેલા આક્ષેપો તદન પાયાવિહોણા હોવાનું તેમણે જણાવ્યુ હતું.

Source: http://www.meranews.com/news/view/rajkot-indranil-rajyguru-strongly-condemns-the-allegation