કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૯ તથા ૩૦મીથી સૌરાષ્ટ્રના પ્રવાસે
અમદાવાદ તા. ૨૮ઃ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૯ અને ૩૦મીના રોજ સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં આવી શકે છે. બે દિવસના સૌરાષ્ટ્રના પ્રચાર દરમ્યાન સોમનાથ મંદિરે દર્શન કરવા જશે તેવી શકયતા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમ્યાન જીએસટીના નિર્ણયથી નાના વેપારીઓને થઇ રહેલી અસર, ગુજરાતમાં બેકારી અને વિકાસ મુદે અવાજ ઉઠાવશે. સાથો-સાથ ગુજરાતમાં બેકારી અને વિકાસ મુદે અવાજ ઉઠવશે અને ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ આજે અંતિમ દિવસે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવસર્જન યાત્રા કાઢીને પ્રવાસ ખેડયો હતો ત્યારે ચાર્ટર એકાઉન્ટન્ટ, વકીલો, તબીબો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સાથે સીધો સંવાદ કરતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૯ અને ૩૦મીના રોજ સૌરાષ્ટ્ર આવવાની શકયતાના પગલે કોંગ્રેસના અગ્રણીઓએ તડામાર તૈયારીઓ શરૃ કરી દીધી છે અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના ઉમેદવારો માટે જાહેરસભા કયા સ્થળે ગોઠવવી તે અંગે તખ્તો ગોઠવવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=47097dc53534373733