શક્તિસિંહે સરકાર દ્વારા બાળકોને અપાતી પોલીયો રસી અંગે કર્યા અતિ ગંભીર આક્ષેપો
November 17, 2017 | 10:44 pm IST
બાળક જન્મે ત્યારે પોલિયો ના થાય તે માટે ઈન્જેક્ટેબલ પોલિયો વેકસિનના ડોઝ આપવામાં આવે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વેક્સિન નકામી થઈ ગઈ હોવા છતાં ભાજપની સરકારે આ જ વેક્સિન વાપરવાની મૌખિક સૂચના આપી છે. વેક્સિનનો જથ્થો નાશ કરવો પડે તેમ હોવાનું મોરબી જિલ્લા પંચાયત, કચ્છ જિલ્લા પંચાયત, રાજકોટના નાયબ નિયામકે લેખિતમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને લેખિતમાં જાણ કરી છે તેમ છતાં ભાજપ સરકાર માસૂમ બાળકોના જીવ સાથે ગંભીર ચેડાં કરી રહી છે તેમ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે જિલ્લા પંચાયતોની લેખિત રજૂઆતના પત્ર સાથે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું કે, પોલિયો સામે સુરક્ષા કવચ આપતી વેક્સિન ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ અને ૮ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન વચ્ચે રાખવાથી જ સુરક્ષિત રહે છે. જો તાપમાન વધારે મળે તો વેક્સીન ઉપયોગ કરવા લાયક રહેતી નથી. આ બાબત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તથા વેક્સીન બનાવનાર કંપની લખીને આપે છે તેમ છતાં ભાજપની સરકાર નકામી થઈ ગયેલી વેક્સિન ગુજરાતના માસૂમ બાળકોને અપાઈ રહી છે, જે એક પ્રકારનું ગુનાઈત કૃત્ય છે જેમાં તટસ્થ તપાસ હાથ ધરવી જોઈએ. જિલ્લાના આરોગ્ય અધિકારીએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, વેક્સિનનું સ્ટેટસ લાસ્ટ સ્ટેજમાં છે, બાળકને વેક્સિન આપતાં સુધીમાં તો વાપરવાલાયક નહિ રહે, આમ છતાં સરકારે ટેલિફોનથી સૂચના આપી છે કે આ જ વેક્સિન વાપરી નાખો. વેક્સિનની બોટલ પર વેક્સિન વાયલ મોનિટર હોય છે, જેના પરથી સ્પષ્ટ થઈ શકે કે વેક્સિન કયા સ્ટેજ પર છે, વાપરવા લાયક છે કે નહિ.
આ વેક્સિન અપાયા બાદ મા-બાપ તો એમ જ સમજે કે અમે બાળકને પોલિયો વેક્સિન આપી દીધું છે પણ તે તો ના આપ્યા બરાબર છે. કોંગ્રેસે માગ કરી છે કે, ડબલ્યુએચઓ, યુનિસેફ આગળ આવી તપાસ કરે, વેક્સિન નાશ કરવાને બદલે શા માટે વાપરી?, ફ્રેન્ચ કંપની સનોફી પાસ્ટર ખુલાસો કરે કે વેક્સિન કયા સ્ટેજે મોકલી છે. આ કંપની અને ભાજપ સરકારની તપાસ થવી જોઈએ.
Source: http://sandesh.com/shaktisinh-alliged-on-government-that-polio-vaccine-given-to-the-children-was-not-upto-the-mark/