રાફાલ યુદ્ધવિમાનના સોદામાં મોટું કૌભાંડ: કૉંગ્રેસ

નવી દિલ્હી: રાફાલ યુદ્ધવિમાનના સોદામાં મોટું કૌભાંડ થયું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કૉંગ્રેસે મંગળવારે કર્યો હતો

મૂડીવાદને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રીય હિત અને સલામતી સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો અને સાથે કહ્યું હતું કે આ સોદાને લીધે દેશની તિજોરીના જંગી નુકસાન ગયું છે.

ભારતીય જનતા પક્ષ (ભાજપ) આ આક્ષેપોને સાફ નકારી કાઢતા કહ્યું હતું કે, ઑગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડના કેસમાં કૉંગ્રેસના મોટા નેતાઓની પૂછપરછ થવાની શક્યતા હોવાથી કૉંગ્રેસ આવા આક્ષેપો કરી રહી છે.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એવો દાવો કર્યો હતો કે, સરકારે જાહેરક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના હિતની અવગણના કરી હતી જ્યારે રાફાલ યુદ્ધવિમાનનું ઉત્પાદન કરવાની ફ્રેન્ચ કંપની દસ એવિયેશને યુદ્ધવિમાન માટેની ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો અને એચએએલને બદલે રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કરવા દીધો હતો.

અગાઉની યુપીએ સરકાર હેઠળ જે ટેન્ડર પ્રક્રિયાનું સમાપન કરાયું હતું તેના કરતા ઘણી ઊંચી કિંમતે રાફાલ યુદ્ધવિમાનો ખરીદવા માટેના કરાર કરાયા હોવાનો પણ આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

આના જવાબમાં ભાજપના પ્રવક્તા જીવીએસ નરસિંહા રાવે એવો દાવો કર્યો હતો કે, ઑગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કેસમાં ઇટલીના વચેટિયા કાર્લોસ ગેરોસાની ધરપકડ કરવામાં આવી છે અને એની ટૂંકમાં જ ભારતને સોંપણી કરાશે. એ પછી કૉંગ્રેસી નેતાઓની આ કેસમાં પૂછપરછ થવાની સંભાવનાને કારણે સ્તબ્ધ થયેલી કૉંગ્રેસ રાફાલ સોદા સંબંધે પાયાવિહોણા આક્ષેપો કરે છે.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385968