૧૭મીએ શશી થરૂર અમદાવાદમાં ૧૮ અને ૧૯ રાહુલ ગાંધીના રોડ-શો
રાજકોટ, તા. ૧૫ :
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામતો જાય છે ત્યારે કોંગ્રેસે પણ આ વખતે નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી છે. ૧૭મીએ પૂર્વ કેન્દ્રીયમંત્રી શશી થરૃર અમદાવાદ આવશે અને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જ્યારે કોંગી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૮ અને ૧૯ નવેમ્બરે ફરી ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ અને અન્ય શહેરમાં એમ બે રોડ શો યોજવા તૈયારીઓ આરંભાય છે.
આજે રાહુલ ગાંધીની અંગત બ્રિગેડના યુવા નેતા સચિન પાયલોટ તથા જ્યોતિરાદિત્યસિંહ સીંધીયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે ૧૭મીએ શશી થરૃર અમદાવાદ આવશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી થયા પહેલા ઉમેદવારી પત્રકો ભરતા પહેલા ટોચના નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. રાહુલ ગાંધી પણ તા. ૧૮ અને ૧૯ એમ બે દિવસ અમદાવાદ અને એક અન્ય મોટા શહેરમાં રોડ-શો માટે આવી રહ્યા છે. દરમ્યાન કોંગી વર્તુળોમાં છાનાખૂણે એવી ચર્ચા જાગી છે કે સતત પ્રવાસ અને લાંબા લચક કાર્યક્રમો છતા કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના ચહેરા પર થાક જોવા મળતો નથી અને સતત ખુશમિજાજમાં હોય છે જ્યારે પ્રદેશના અર્ધો ડઝન ટોચના નેતાઓના કોઈ અગમ્ય કારણોસર ચહેરાઓ ફીક્કા લાગી રહ્યા છે.
Source: http://www.akilanews.com/15112017/main-news/1510721009-117860