નોટબંધી અને GST મુદ્દે મોદી બોલતા નથી અને બોલવા દેતા નથી
ઈડર, તા.૧૧
હું ખાતો નથી અને ખાવા દેતો નથી કહેનારા નરેન્દ્ર મોદી જીએસટી અને નોટબંધી વિશે બોલતાં નથી અને બોલવા દેતાં નથી. હવે ગુજરાતમાં મોદી આવે, અમિત શાહ આવે અથવા મંત્રીમંડળ આવે પરંતુ આ વખતે ભાજપ સરકાર ગુજરાતમાંથી જવાની તે નક્કી થઈ છે. સત્ય અને અસત્યની લડાઈમાં વિજય સત્યનો જ થશે. એમ કહી રાહુલ ગાંધીએ ગાંધીનગરના સચિવાલયમાં ખેડૂતોની સરકાર લાવવા પ્રજાને આહ્વાન કર્યું હતું. આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોનો સાથ લઈ સત્તા પરિવર્તન કરવાના પ્રયાસ શરૂ કર્યા છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોના પ્રવાસ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં તેઓ શનિવારે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ખેડૂત અધિકાર સભાના નેજા હેઠળ સાબરકાંઠા જિલ્લાના મતદારો સમક્ષ નોટબંધી અને જીએસટીના મુદ્દે મોદી સરકારને આડા હાથે લઈ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકારે પ્રજાના નાણા ઉદ્યોગપતિઓને આપી દઈ કોઈને બોલવા દેતા નથી અને જાતે પણ કશું બોલતા નથી.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે પ્રાંતિજ તાલુકાના મજરાથી સાબરકાંઠામાં પ્રવેશ કર્યો ત્યારે સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમને તલવાર સ્મૃતિરૂપે ભેટ આપી સાફો પહેરાવ્યો હતો. ત્યારબાદ તેમનો કાફલો પ્રાંતિજ આવી પહોંચ્યો હતો. જ્યાં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તાસ્થાને બેસાડવા માટે ઉપસ્થિત લોકોને અનુરોધ કરી જણાવ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોની, પ્રજાની, ગરીબોની, વેપારીઓની અને ગામડાના લોકોની સરકાર હશે. ઉપરાંત તેમણે કેન્દ્રની ભાજપ સરકારે નોટબંધી અને જીએસટીને ગેરવ્યાજબી ગણાવીને હિન્દુસ્તાનની પ્રજા માટે આ નિર્ણયને કઠુરાઘાત સમાન ગણાવ્યો હતો.
પ્રાંતિજ સભા પૂર્ણ કર્યા બાદ તેમનો કાફલો હિંમતનગર આવવા રવાના થયો હતો. ત્યારબાદ તેઓ તરત જ સિવિલ સર્કલ થઈને મહેતાપુરાના શાંતિ ઉપવન ખાતે યોજાયેલ સભા સ્થળે પહોંચી ગયા હતા. નિયત સમય કરતા મોડા આવેલા રાહુલે સ્ટેજ પર સ્થાન લેતાં પહેલાં બે હાથ ઉંચા કરીને પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ પ્રદેશના હોદ્દેદારોએ ભાજપની સરકાર પર આક્ષેપો કરી કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે તે સૂત્રને સાર્થક કરવા મતદારોમાં અંડર કરંટ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલે પોતાના ભાષણની શરૂઆત ટૂંકમાં ગુજરાતી ભાષાથી કરી હતી અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે નોટબંધીનો નિર્ણય લીધો તેના કારણે હિન્દુસ્તાનની પ્રજાને આંચકો લાગ્યો હતો. દેશના ખેડૂતો અનાજ, બિયારણ, ખાતર તથા દવાઓ જેવી ખેતી ઉપયોગી વસ્તુઓ ક્રેડિટ કાર્ડથી ખરીદતા નથી. પરંતુ રોકડેથી ખરીદે છે જેથી મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય કસમયનો હતો. ત્યારબાદ ભાજપ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લાગુ કરેલા જીએસટીના અમલને ગબ્બર ટેક્ષ ગણાવીને પ્રજા પાસેથી ટેક્ષના નામે પૈસા ખંખેરી લેવાના આ નિર્ણયની આકરી ટીકા કરી કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન અને નાણામંત્રી અરૂણ જેટલીને મળીને જીએસટી ૧પ ટકાથી અંદર રાખવા માટે રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે શુક્રવારે કેન્દ્ર સરકારે જીએસટીના માળખામાં કેટલાક ફેરફાર કરીને રપથી વધુ વસ્તુઓ પર લેવાતા ટેક્ષનો રેસિયો ર૮ ટકાને બદલે ૧૮ ટકા લેવાની ફરજ પડી છે જેનો યશ પ્રજા તથા કોંગ્રેસને જાય છે તેવો દાવો કર્યો હતો.
હિંમતનગરની સભામાં રાહુલ ગાંધીએ બારણા વગરની ઈમારતનો દાખલો આપી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ઈમારતમાંથી નિર્ણયની જાહેરાત કરે છે અને દર મહિને હિન્દુસ્તાનની પ્રજાને રેડિયા પર જે મન કી બાત કરે છે પરંતુ તેઓ પ્રજાની વચ્ચે આવતા નથી. ઉપરાંત તેમણે અગાઉના વર્ષોમાં પોતાના ભાષણોમાં કહેતા હતા કે ખાતો નથી અને ખાવા દેતો નથી. તેના બદલે નરેન્દ્ર મોદીએ રૂપિયા ૩પ હજાર કરોડ તાતા કંપનીને આપીને જલસા કરાવી દીધા હતા. પરંતુ હજુ સુધી ગુજરાતના રોડ પર મે એક પણ નેનો કાર દોડતી જોઈ નથી. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબોની ચિંતા કરીને રૂા.૩પ હજાર કરોડ મનરેગાની યોજના શરૂ કરીને હિન્દુસ્તાનની ગરીબ પ્રજાને રોજગારી આપી હતી. જ્યારે ભાજપની સરકાર પ્રજાની નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર હોવાનો આક્ષેપ કરીને કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને આડા હાથે લેવાનો એક પણ મોકો પોતાના પ્રવચન જતો કર્યો ન હતો અને ગુજરાતની પ્રજાને ગાંધીનગરના સચિવાલયમાં ખેડૂતોની સરકાર લાવવા માટે આહવાન કર્યું હતું. જો કે, તેમણે મોદી સરકાર પર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે જીએસટી અને નોટબંધીના મુદ્દે નરેન્દ્ર મોદી બોલતા નથી અને બોલવા દેતા પણ નથી. જો કોઈ બોલે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે અથવા તો કર્મચારી હોય તો નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવે છે.
ત્યારબાદ રાહુલ ગાંધી પોતાના કાફલા સાથે ઈડર જવા રવાના થયા હતા. ઈડરમાં સરપ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં યુવા રોજગાર અને ખેડૂત અધિકાર નવસર્જન યાત્રા ઈડર મુકામે આવતા રાહુલ ગાંધીને સાંભળતા પ્રચંડ ભીડ એકઠી થઈ હતી. સત્ય અને અસત્યની લડાઈમાં સત્યનો વિજય થશે એ નક્કી થઈ ગયું છે. છેલ્લા રર વર્ષથી લોકો પાસેથી પાણી, વીજળી અને જમીન છીનવી લઈ પાંચ ઉદ્યોગપતિના ખોળામાં ધરી દીધી છે. એ આ સરકારે લોકો ઉપરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરેક સમાજ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યો છે. આ લોકો પોતાના હક માટે લડી રહ્યા છે જે બહેરી સરકાર સાંભળતી નથી અને મન કી બાત કરીને સપના જોવડાવે છે. આ લોકો સાંભળવાની જગ્યાએ પોલીસ દમન દ્વારા તેમને દબાવી દેવામાં આવે છે. નોટબંધી તથા જીએસટીના આત્મઘાતી નિર્ણયો લઈ ઉદ્યોગ તથા નાના વેપારીઓની કમર તોડી નાંખવામાં આવી છે જે દેશની વિકાસની ધોળી નસ નોટબંધી કરી વિકાર અટકાવી દેવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ એક ટેક્ષમાં માને છે. પેટ્રોલ-ડીઝલ પણ જીએસટી પ્રમાણે વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો એક ટેક્ષની નીતિ તથા લોકોનો ફાયદો કરાવવા પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે ગુજરાતના ખેડૂતોના તમામ દેવા માફ થશે અને રોજગારીની તકો વધુ થશે. અમિત શાહના પુત્રને તથા મુખ્યમંત્રીને આડે હાથ લેતા મોદી ઉપર કટાક્ષ કર્યો હતો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ હવે હું બોલતો નથી અને બોલવા દેતો નથી તેવો કટાક્ષ કર્યો હતો. મોદી ઉપર સીધો પ્રહાર કર્યો હતો કે તમે ચોકીદાર છો કે ભાગીદાર હવે એ જનતાને કહો.
Source: http://www.gujarattoday.in/notebandhi-and-gst-mudde-modi/