નોટબંધી એટલે કાળો દિવસ, નોટબંધી સંગઠિત લૂંટ હતીઃ મનમોહન સિંહ
November 7, 2017, 12:10 pm
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. મનમોહન સિંહે અમદાવાદના સરદાર સ્મારક ખાતે વ્યાપારીઓને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં દેશની આર્થિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી.
સરદાર સ્મારક ખાતે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મનમોહનસિંહનું સ્વાગત કર્યું હતું અને પોતાના ભાષણથી શરૂઆત કરી હતી. મનમોહન સિંહે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘GST અને નોટબંધી એ સરકારની ભૂલ છે. PMને આવી ભૂલ માટે કોણે સલાહ આપી તે પ્રશ્ન છે.’
મનમોહન સિંહે એવું પણ કહ્યું હતું કે, સરકારની કેટલીક નીતિઓને કારણે દેશમાં આર્થિક વ્યવહાર ખોરવાયો છે. સરકારના કેટલાક નિર્ણયો ખોટા પુરવાર સાબિત થયા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારની GSTની નીતિના કારણે ઘણાને નુકશાન થયું છે. સરકારની નીતિઓથી ચાઈના જેવા દેશોને આર્થિક ફાયદો થયો છે. તેમણે ચાઈનાથી ભારતની આયાતની નીતિનો પણ વિરોધ કર્યો હતો.
મનમોહન સિંહે કાળાનાણાં અંગે કહ્યું હતું કે, નોટબંધી એ એક સંગઠિત લૂંટ હતી. નોટબંધીના કારણે ઘણા લોકોએ નોકરી અને જિંદગી ગુમાવી હતી. ઘણા ધનિકોએ પોતાના કાળાનાણાં સફેદ કર્યા હતા. મનમોહન સિંહ આમ તો આર્થિક વ્યવસ્થાને લઈને વ્યાપારીઓને સંબોધવા આવ્યા હતા. જો કે તેમની યાત્રા ચૂંટણી માટે પણ મહત્વની ગણી શકાય. તેમણે એવું પણ કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે.
Source: http://sambhaavnews.com/national/demonetisation-is-a-black-day-manmohan-singh/