પાટીદાર આંદોલનથી પ્રભાવિત રાહુલ ગાંધી 11મીથી 3 દિવસ ઉ.ગુ.ના પ્રવાસે
Nov 05, 2017, 11:40 PM IST
મહેસાણા: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 11થી 13 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે પણ તેમના પ્રવાસમાં ધાર્મિક સ્થળોને આવરી લેવાયા છે. પાટીદાર આંદોલનને કારણે છેલ્લા બે વર્ષથી સૌથી વધુ ચર્ચામાં રહેલા ઉત્તર ગુજરાતના પ્રવાસમાં છેલ્લી ઘડીએ કોઇ ફેરફાર ન થયા તો કાર્યક્રમ લગભગ નક્કી જ છે. તેને લઇ પ્રદેશ આગેવાનો દ્વારા સભા સહિતના આયોજન માટે મુલાકાત શરૂ કરી દેવાઇ છે. રવિવારે પ્રદેશની ટીમો દ્વારા બહુચરાજી અને હિંમતનગરમાં સભા સ્થળનું નિરીક્ષણ કરાયું હતું.
અંબાજી, બહુચરાજી, થરા વાળીનાથ, શંખેશ્વર મંદિરે દર્શન કરવા જશે
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધી 11મી નવેમ્બરે સવારે અમદાવાદ એરપોર્ટ ઉતરી સીધા ચીલોડા જશે. ત્યાર બાદ ચિલોડાથી દહેગામ, સાબરકાંઠાના પ્રાંતિજ અને હિંમતનગર જશે. રાત્રે 7-30 થી 8 કલાકે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા જશે.12મીએ બીજા દિવસની યાત્રા અંબાજીથી શરૂ કરશે. તેઓ અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, શિહોરી અને રાધનપુર જઇ કાર્યકરોને મળશે. થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી વાળીનાથ મંદિરમાં દર્શને જશે.
હિંમતનગર બહુચરાજીમાં સભાનું આયોજન
13મીએ ત્રીજા દિવસની યાત્રા પાટણથી શરૂ થશે. પાટણથી હારિજ, જૈનતીર્થ શંખેશ્વર જિનાલયમાં દર્શન અને ત્યાંથી બહુચરાજી મંદિરે દર્શન માટે પહોંચશે. અહીં જાહેરસભાનું આયોજન છે. અનુકૂળતા હોય તો રાહુલજી વરાણા સ્થિત ખોડિયાર માતાજીના દર્શને પણ જઇ શકે છેે. સૂત્રોના જણાવ્યા મુજબ, 13મીએ મહેસાણામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠકનું આયોજન ગોઠવાઇ રહ્યું છે. મહિલા સંમેલનની પણ વિચારણા ચાલી રહી છે. અહીંથી વિસનગર અને વિજાપુર જઇ દિલ્હી પરત જાય તેવું આયોજન છે.
રાજસ્થાનથી બે નિરીક્ષકો હિંમતનગર આવ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હિંમતનગરમાં જાહેરસભાને સંબોધનાર હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. જેના આયોજન માટે રાજસ્થાનથી તારાચંદ ભગોરા સહિત બે નિરીક્ષકો આવી પહોંચ્યા છે. તેમની સાથે પ્રદેશના હોદ્દેદારો સી. જે. ચાવડા, જગદીશ ઠાકોર જાહેરસભાના આયોજન માટે સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો સાથે મિટિંગ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-rahul-gandhi-impressed-by-the-patidar-movement-traveled-from-11th-to-3-days-in-n-573823.html