મોંઘો ગેસ, મોંઘું રાશન, બંધ કરો ખોખલા ભાષણ! : રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 5 નવેમ્બર, 2017, રવિવાર
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સત્તાધારી ભાજપ પર શાબ્દિક પ્રહારો કરવાની એક પણ તક છોડી નથી રહ્યું. ખાસ કરીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિવિધ રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે.
આ વખતે રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે ટ્વિટર એક કવિતા, સૂત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એલપીજી સિલિન્ડરમાં થયેલા ભાવવધારાના એક સમાચાર ટ્વિટ કરીને લખ્યું છે કે, મોંઘો ગેસ, મોંઘું રાશન. બંધ કરો ખોખલા ભાષણ. દામ નક્કી કરો, કામ આપો, નહીં તો ખાલી કરો સિંહાસન.
છેલ્લાં ઘણાં સમયથી રાહુલ ગાંધી ટ્વિટર ખાસ્સા સક્રિય છે. બીજી તરફ, વડાપ્રધાન મોદી પણ સતત ટ્વિટર પર અપડેટ આપતા રહે છે. આ જ કારણસર કોંગ્રેસનું સાયબર આર્મી સતત ટ્વિટ બોમ્બ ઝીંકીને ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોંઘવારી વધી રહી છે ત્યારે ખોખલા ભાષણો આપવાનું બંધ કરી દેવું જોઈએ. લોકોને રોજગારી આપો, પૈસા આપો અને એવું ના થઈ શકે એમ હોય તો સત્તા છોડી દો.
હાલમાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૃ. ૪.૫૦નો વધારો થયો છે, જ્યારે સબસિડી ધરાવતા સિલિન્ડરની કિંમતમાં રૃ. ૯૩નો વધારો કરાયો છે. આ મુદ્દે વિપક્ષના અનેક નેતાઓ ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી ચૂક્યા છે.
આ પહેલાં પણ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલના પુત્ર શૌર્ય દોવલના કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ સામે સવાલ ઉઠાવ્યો હતો. આ મુદ્દે પણ રાહુલે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા લખ્યું હતું કે, મોદીજી, જય શાહ જ્યાદા ખા ગયા. આપ ચોકીદાર થે, યા ભાગીદાર? કુછ તો બોલિયે.
એ પછી પણ રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વિટ કરી હતી કે, આખરે નોટબંધીનો એક લાભાર્થી મળી જ ગયો. એ કોઈ ગરીબ કે ખેડૂત નથી. તેઓ નોટબંધીના શાહ-ઈન-શાહ છે. જય અમિત. આમ લખીને રાહુલ ગાંધીએ ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના પુત્ર પર પ્રહાર કર્યા હતા.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/expensive-gas-expensive-ration-close-snooze-speech-