ચૂંટણી પહેલા કોગ્રેસનો મોટો દાવો, ભાજપનું 30 હજાર કરોડનું જમીન કૌભાંડ

ગાંધીનગર: ભાજપ સરકારનો વિકાસ ભ્રષ્ટાચારનો વિકાસ છે તેવો સીધો આક્ષેપ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. ભાજપના રાજમાં રાજયમાં ટાઉન પ્લાનીંગ યોજના મુકવી કે નહીં તેમાંથી પણ પૈસા ખંખેરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે એવો દાવો કર્યો છે. તેમણે સુરતમાં સોશીયલ રીઝર્વેશન માટેની 2થી7 ટકા જમીનો ભાજપના મળતીયા બિલ્ડરોને પધરાવી દેવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો છે. સુરતમાં નિયમ પ્રમાણે 40 ટકા જમીન પાછી ખેંચવાની હોવાછતા આવી જમીન સરકારે પાછી ન ખેંચીને રૂ. 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે.

મોઢવાડિયાએ ટીપી સ્કિમના અંતર્ગત જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે સુરતમાં છેલ્લા 22 વર્ષમાં કુલ 128 ટાઉન પ્લાનીંગ સ્કીમમાંથી માત્ર 38 ટાઉન પ્લાનીંગ સ્કીમ ફાયનલ કરી છે, 90 સ્કીમ પેન્ડીંગ છે. આમ, ભાજપ સરકાર ટીપી મંજૂર કરવી નામંજૂર કરવામાં પણ ભ્રષ્ટાચાર કરે છે. ભાજપ શાસકોએ સોશીયલ અને શહેરી આવાસ માટે માત્ર બેથીચાર ટકા જમીન ફાળવીને બાકીની છથીઆઠ ટકા જમીન બિલ્ડરોને પધરાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે.

આ જમીનનો સરેરાશ ભાવ ચો.મી.દીઠ રૂ. 60થી70 હજારની કિમંત ગણાતા રૂ. 30 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે સુરતની ટીપી સ્કિમ બાબતે આઠ વર્ષ અને આઠ મહિનાથી પીઆઇએલ પણ કરવામાં આવી છે, પણ કોર્ટની આઠ મુદત વિતી ગઇ હોવાછતા સરકાર કોઇ જવાબ આપી શકતી નથી.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-biggest-claim-before-elections-bjp-rs-30000-crore-land-scam-gujarati-ne-573765.html