ગુજરાતની ચૂંટણી મહાભારત જેવીઃ પ્રચંડ જનસમર્થનથી કોંગ્રેસનો થશે વિજયઃ રાહુલ ગાંધી
વલસાડ તા. ૩ઃ ગુજરાતનો પ્રવાસ કરી રહેલા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે પારા પહોંચ્યા છે. આજે સાંજે તેઓ પાટીદારોના ગઢ સુરતમાં જાહેરસભાને સંબોધશે. પારાડીમાં તેમણે જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી મહાભારત જેવી છે. કોંગ્રેસ સત્યની સાથે હોવાથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. જેથી તેનો વિજય નિશ્ચિત છે.
દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે પ્રવાસ દરમ્યાન કોંગ્રેસ ઉપપ્રમુખ આજે સવારે વલસાડ જિલ્લાના પારડીમાં પહોંચ્યા હતાં, જ્યાં તેમણે જનસભાને સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓબીસી, પાટીદાર, દલિત સહિતના વિવિધ સમાજો આંદોલનો ચલાવી રહ્યા છે અને રાજ્યની જનતા ખુશ નથી, તેથી કોંગ્રેસને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને જ પાણી, વીજળી, જમીન વિગેરે અપાય છે. પણ આમજનતાને કોઈ લાભો મળતા નથી.
રાજ્યમાં બેરોજગારીએ માજા મૂકી છે, તેથી યુવાવર્ગ સરકારથી નારાજ છે.
ગુજરાતમાં નેનો પ્રોજેક્ટ માટે જમીન અને નાણા અપાયા, પરંતુ નેનો ક્યાંય દેખાતી નથી. નેનોકાર ગુજરાતમાંથી જ નહીં, પણ સમગ્ર દેશમાંથી ગાયબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હું ગુજરાતના માર્ગો પર નેનો કાર શોધી રહ્યો છું પરંતુ ક્યાંય જોવા મળતી નથી.
ગુજરાતમાં શિક્ષણમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે રાજ્યમાં રૃપિયા વગર શિક્ષણ મળતું નથી.
રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની તુલના મહાભારત સાથે કરતા કહ્યું કે મહાભારતમાં સત્ય જેના પક્ષે હતુ તેનો વિજય થયો હતો, તેવી જ રીતે ગુજરાતમાં કોંગ્રેસને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું હોવાથી તેનો વિજય થશે, કારણ કે સત્ય અમારી સાથે છે.
પાટીદારોના ગઢ સુરતમાં આજે ૭ કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા છે. ભાજપ જ્યાં જાહેરસભા કરી શકતુ નથી ત્યાં ‘પાસ’ના મૂક સમર્થનથી વર્ષો પછી કોંગ્રેસની સભા અહીં યોજાઈ રહી છે. જ્યારે બીજીતરફ ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ પણ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં તારીખ હોવાથી હાજર રહ્યો હતો. અને જણાવ્યું હતું કે ગુજરાત માત્ર ભાજપનું નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને સુરતમાં જ હોવા છતાં બંને વચ્ચે કોઈ મુલાકાત થવાની શક્યતા નથી.
હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં તારીખ હોવાથી સુરતમાં જ હાજર રહ્યો હતો. પાટીદારોને અનામત કેવી રીતે મળી શકે તે અંગે કપિલ સિબ્બલ જેવા બંધારણના નિષ્ણાતની સલાહ પછી ૬ નવેમ્બર પછી કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે અંગે પાસ દ્વારા નિર્ણય લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ મોદી સરકારની આર્થિક નીતિઓ, નોટબંધી અને જીએસટીના અયોગ્ય અમલીકરણ પર પ્રહારો કરતા કહ્યું હતું કે જીડીપીમાં બે ટકાનો ઘટાડો થઈ ગયો છે. એક ઝટકામાં મોદી સરકારે નાના અને લઘુ ઉદ્યોગોને ખતમ કરી નાખ્યા છે.
કોંગ્રેસે મનરેગાના માધ્યમથી રોજગારી આપી તેનો ઉલ્લેખ કરતા તેમણે કટાક્ષ કર્યો કે લોકો તેમના ખાતામાં પંદર લાખ ક્યારે જમા થાય છે, તેની રાહ જોઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે મોદી માર્કેટીંગના નિષ્ણાત છે અને જુઠા વચનો આપીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=6c32f1123533323837