મેક ઇન્ડિયાની વાતો વચ્ચે ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગારઃ રાહુલ ગાંધી

મોસાલી, તા.1 નવેમ્બર 2017,બુધવાર ચીનમાં 24 કલાકમાં 50 હજાર યુવકોને જ્યારે ભારતમાં 24 કલાકમાં માત્ર 450 યુવકોને રોજગારી મળે છે. છતાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઓફ ઇન્ડિયાની વાતો કરી રહ્યાં છે. માત્ર ગુજરાતમાં ૩૦ લાખ યુવકો બેરોજગાર છે. આજે પણ રાજ્યના અનેક ભાગોમાં વિવિધ જ્ઞાાતિની પ્રજા દ્વારા વિવિધ પ્રશ્ને આંદોલનો ચાલી રહ્યાં છે.

રાજ્યનાં દરેક સમાજનાં લોકોમાં ગુસ્સો દેખાઇ રહ્યો છે. ભાજપના ૨૨ વર્ષના ગુજરાત રાજ્યનાં શાસનમાં પ્રજા થાકી ગઇ છે એમ આજે દક્ષિણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે એક જાહેરસભામાં જણાવ્યું હતું.

નિયત સમય કરતા ત્રણ કલાક મોડા સાંજે ૭ વાગ્યે અહી પહોંચેલા રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખેતીની જમીનો ઝુંટવી લઇ ઉદ્યોગપતિઓને આપી દે છે. જેમાં ઘણાં ઉદ્યોગપતિઓ જમીનનો ઉપયોગ કરતા નથી છતાં એ જમીનો ખેડૂતોને પરત અપાતી નથી.

સને-૨૦૦૭માં રાજ્યનાં મુખ્યમંત્રીપદે નરેન્દ્રભાઇ મોદી હતા ત્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૃા.૧૫,૦૦૦ કરોડની જાહેરાત કરી હતી. આ રકમ તો આવી નહી પણ બીજીવાર રૃા.૪૦,૦૦૦ કરોડ આપવાની જાહેરાત કરી દીધી હતી.

નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારની પ્રજાને સારું શિક્ષણ મળે- પીવાનું શુદ્ધ પાણી મળે, શાળા-કોલેજો શરૃ કરવા સહિતનાં અનેક વાયદાઓ આપ્યા હતા. આજે અનેક શાળા-કોલેજોમાં શિક્ષકો કે અધ્યાપકો નથી. વડાપ્રધાન નેનોની ૩૫ હજાર કરોડની લોન માફ કરે છે પરંતુ ગુજરાતનાં દેવાદાર ખેડૂતોનું દેવું માફ કરાતું નથી. આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ મીણબત્તીના સહારે અભ્યાસ કરી રહ્યાં છે અને ગુજરાતની વિજળી ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ એહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, અશોક ગેહલોટ, ડો. તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, નાનસીંગ વસાવા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, કેશ્મીરા મુન્શી હાજર રહ્યાં હતાં.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/30-lakh-young-people-unemployed-in-gujarat-among-the-talks-between-mac-india-rahul-gandhi