નોટબંધીની વરસીની ઉજવણી કરવી સરકાર માટે નુકસાનકારક : કોંગ્રેસ
નવી દિલ્હી, તા.૩૦
ગુજરાત ચૂંટણી પહેલાં રાજકીય બઢત લેવાના ઈરાદે ભાજપ અને કોંગ્રેસ કોઈ તક છોડવા માંગતા નથી. બંને પક્ષો વચ્ચે આક્ષેપબાજીનો દોર જામ્યો છે. કોંગ્રસ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આર્થિક મુદ્દે ઘેરવાના પ્રયાસમાં છે તો ભાજપને કોંગ્રેસ સામે જૂના મુદ્દા ઉપરાંત એક નવો મુદ્દો મળી ગયો છે. ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ સામે આક્ષેપબાજી તેજ કરી દીધી છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે નોટબંધી અને જીએસટી લાગુ થવાના કારણે ખાસ કરીને નાના વેપારીઓને પડી રહેલી તકલીફો સામે સરકાર આંખ આડા કાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂરૂ થયાની ઉજવણી કરવી સરકાર માટે નુકસાનકારક પૂરવાર થશે. ગેહલોતે દેશની આર્થિક હાલતની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, નોટબંધીના પરિણામો ખૂબ ખરાબ આવ્યા છે અને સરકાર એક વર્ષ પૂરૂ થયાની ઉજવણી કરવા માંગે છે. સરકારને આ ઉજવણીની કિંમત ચૂકવવી પડશે. નોટબંધીના કારણે લોકોના કામ-ધંધા ચોપટ થઈ ગયા છે. લોકોની નોકરીમાંથી છટણી થઈ રહી છે. સરકારે આ અંગે જવાબ આપવો જોઈએ. સરકારને હજુ કંઈ સમજાઈ રહ્યું નથી.
કોંગ્રેસના નેતૃત્વમાં ૧૮ જેટલા રાજકીય પક્ષો આઠ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવશે. બીજી તરફ ભાજપ સરકારે આ દિવસને બ્લેકમની વિરોધી દિન ઘોષિત કર્યો છે. હાર્દિકની કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીની સાથે મુલાકાત અંગે પૂછાતાં ગુજરાત મામલાના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, હોટલમાં હાર્દિક અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ ન હતી પણ જો મુલાકાત થઈ પણ હોત તો શું થઈ જતું ? કોઈ ગુનો તો નથી ? અને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તસવીર બદલાઈ ગઈ છે. લોકોએ મન મનાવી લીધું છે. અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ સમગ્ર દેશમાં ભય અને ચિંતાનો માહોલ છે. તમામ વર્ગના લોકો ભયભીત છે.
Source: http://www.gujarattoday.in/notebandhini-varsini-ujavni/