નોટબંધી અને GSTના ટોર્પિડોએ અર્થતંત્રને ડુબાડયું : રાહુલ ગાંધી
October 31, 2017 | 4:01 am IST
૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઊજવવાની છે. વિપક્ષ દેશભરમાં ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઊજવવાની યોજના બનાવી રહ્યો છે. આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટી નામના બે ટોર્પિડોએ દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું છે. કેન્દ્ર સરકારની ૮મી નવેમ્બરને કાળા નાણાં વિરોધી દિવસની ઉજવણી પર કટાક્ષ કરતાં રાહુલે જણાવ્યું હતું કે, નોટબંધીના દિવસે શા માટે ઉજવણી કરાશે તે મારી સમજની બહાર છે.
રાહુલે જણાવ્યું હતું કે, ૮ નવેમ્બર ભારત માટે દુઃખદ દિવસ છે. મોદી સરકારની બે મોટી આર્થિક નીતિથી જનતાને ઘણી પીડા થઈ છે. વડા પ્રધાન દેશની જનતાની લાગણીઓને સમજવામાં નિષ્ફળ ગયા છે. તેઓ હજુ વાસ્તવિકતા સમજી જ શક્યા નથી. તેમણે સંખ્યાબંધ લોકોનાં મોતનું કારણ બનેલા નીતિવિષયક નિર્ણયની ઉજવણીની યોજના પડતી મૂકવી જોઈએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નોટબંધી એક હોનારત સાબિત થઈ છે, તો એક સારા વિચારને કેવી રીતે ભ્રષ્ટ કરી શકાય તેનું ઉદાહરણ મોદી સરકારનો જીએસટી છે. નોટબંધીના ટોર્પિડોએ અર્થતંત્રને મોટો આંચકો આપ્યો અને જીએસટીના ટોર્પિડોએ અર્થતંત્રનાં જહાજને ડુબાડી દીધું છે.
ગરીબોની કમાણી પર સર્જિકલ સ્ટ્રાઇક માટે હવે દેશ સજા નક્કી કરશે : સૂરજેવાલા
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પીએમ મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નાના વેપારીઓ અને ગરીબ શ્રમિકોની કમાણી પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક માટે કોણ જવાબદાર છે? મોદીએ કહ્યું હતું કે નોટબંધીના ૫૦ દિવસ પછી જો દેશવાસીઓને કોઇ તકલીફ થશે તો હું કોઇપણ સજા માટે તૈયાર છું. હવે દેશ મોદીની સજા નક્કી કરશે. અમે મોદીને પૂછવા માગીએ છીએ કે, કાળું ધન ક્યાં છે? કેટલી બનાવટી નોટો પકડાઇ અને હજુ તેનો અંત કેમ આવતો નથી? નોટબંધીને કારણે ૧૫૦ લોકોનાં મોત માટે કોણ જવાબદાર છે?
કોમ્પ્લાયન્સના ગૂંચવાડા અને જીએસટીની ખામીયુક્ત ડિઝાઇન જવાબદારઃ મનમોહનસિંહ
પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે, જીએસટીનો ખામીયુક્ત અમલ થતાં નોકરી-ધંધા છીનવાઇ ગયાં છે. નોટબંધીએ લૂંટફાટને કાયદેસરની બનાવી દીધી હતી તો જીએસટીએ સામાન્ય લોકોની આજિવિકા છીનવી લીધી છે. વેપાર બંધ થઇ ગયા છે. નોકરીઓ છીનવાઇ ગઇ છે. કોમ્પ્લાયન્સના ગૂંચવાડા અને જીએસટીની ખામીયુક્ત ડિઝાઇન અને અમલ પણ તેના માટે જવાબદાર છે.
વિપક્ષના કાળા દિવસ સામે સરકારનો એન્ટિ બ્લેક મની ડે ટકરાશે
કોંગ્રેસની સાથે ૧૮ વિપક્ષો પણ જોડાશે. સંયુક્ત વિપક્ષે ૮મી નવેમ્બરે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની સાથે તૃણમૂલ કોંગ્રેસ, રાજદ, ડાબેરીઓ સહિતના વિપક્ષે દરેક રાજ્યમાં દેખાવોની તૈયારી કરી છે. સામે પક્ષે સરકારે આ દિવસને એન્ટિ બ્લેક મની ડે તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, ભાજપના તમામ અગ્રણી નેતા, કેન્દ્રીય અને રાજ્યોના મંત્રી તથા પાર્ટીના હોદ્દેદારો દેશભરમાં યોજાનારા ઉજવણીના કાર્યક્રમોમાં ભાગ લેશે.
૮ નવેમ્બરે દેશભરમાં મોદી મેડ ડિઝાસ્ટર સામે કોંગ્રેસનાં વિરોધપ્રદર્શન
નોટબંધીનું એક વર્ષ પૂરું થતાં કોંગ્રેસ સહિતના ૧૮ વિપક્ષો દેશભરમાં સંયુક્ત મોરચાબંધી કરશે. સોમવારે મળેલી કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશભરમાં દેખાવો કરવાની રણનીતિ તૈયાર કરાઈ હતી. બેઠકમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ અને પૂર્વનાણામંત્રી ચિદમ્બરમે નોટબંધી અને જીએસટીના મામલે સરકારને ઘેરવાની રણનીતિ સૂચવી હતી. કોંગ્રેસના દેખાવોનો નારો રહેશે એમએમડી એટલે કે મોદી મેડ ડિઝાસ્ટર.
Source: http://sandesh.com/notepad-and-gst-non-torpedoes/