ગુજરાત બાળ અને પ્રસૂતા મૃત્યુ દર સહિતની આરોગ્ય સેવા પૂરી પાડવામાં છેવાડાનું રાજ્ય: ડો. મનિષ દોશી

અમદાવાદ,તા.ર૯

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓનાં મોતની ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે ગુજરાતમાં સામાન્ય માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું છે જયારે ભાજપના શાસનમાં મુડીપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણું સુધર્યું છે. એમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે ૦થી૧ વર્ષના બાળમૃત્યુ દરમાં દર હજાર બાળકોએ પ૦ બાળકોના મૃત્યુ સાથે ગુજરાત છેવાડાના નવમાં સ્થાને આવે છે.

દેશના અન્ય રાજયોની સરખામણી કરીએ તો કેરાલામાં દર હજાર બાળકોએ ૧ર બાળકો ભેટે છે તમિલનાડુમાં ૩૧, મહારાષ્ટ્રમાં ૩૩, પશ્ચિમ બંગાળમાં ૩પ, પંજાબમાં ૪૧ અને કર્ણાટકમાં ૪પ બાળકો મૃત્યુ પામે છે. જયારે ગુજરાતમાં પ૦ બાળકો મોતને ભેટે છે પ્રસુતા માતાના મૃત્યુમાં પણ દર દસ હજારે ૧૪.૮ મૃત્યુદર સાથે ગુજરાત દસમાં ક્રમે આવે છે. બાળકોના જન્મદરમાં પણ ગુજરાતમાં જન્મદર દસ હજાર વ્યકિતઓએ રર.૬ સાથે ગુજરાત નવમાં ક્રમે વધારે વસ્તી વધારનારૂ રાજય છે.

રાજ્યની પપ.૩ ટકા મહિલાઓ એનીમિયાથી પીડાય છે. હોસ્પિટલમાં ડિલિવરી માત્ર પ૬.પ ટકા સાથે ગુજરાત ૧૪મા ક્રમે ર૩.પ ટકા બાળકો કુપોષિત તથા ૪પ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. મહિલાઓની તંદુરસ્તીની બાબતમાં ગુજરાતનો ક્રમ છેવાડાનો ૧૮મો ક્રમ છે. આરોગ્ય પાછળ ગુજરાત માથાદીઠ માત્ર રૂા.ર૭૦ના ખર્ચ સાથે દેશમાં ૩૧મા નંબરનું રાજય છે. ટાટાને ૩૩ હજાર કરોડ તથા એસ્સારને ૯૧૦૦ કરોડ આપતી ભાજપ સરકાર પાસે સામાન્ય નાગરિકોના આરોગ્ય પાછળ રૂા.પ૦૦-૧૦૦૦ ખર્ચ કરવાના નાણાં નથી.

ભારત સરકાર બાળકો અને મહિલાઓના આરોગ્ય માટે અબજો રૂપિયાની ફાળવણી કરતી હોવા છતાં પણ ગુજરાત હોસ્પિટલમાં ડિલિવરી બાળકોના જન્મદર સહિતના મુદ્દે છેવાડાનું રાજય બન્યું છે. દર દીકરીઓની સામે ગુજરાતમાં ર૦૦૧મા ૮૮૩ બાળકીઓ હતી. તેની સાથે વર્ષ ર૦૧પમા ૮પર બાળકીઓનો જન્મ થયો છે.

Source: http://www.gujarattoday.in/gujarat-bal-rajya-and-prasuta/