ડૉ. જેટલી અર્થતંત્ર આઈસીયુમાં છે, તમે કોઈનાથી કમ નથી પણ તમારી દવામાં દમ નથી

નવી દિલ્હી, તા.26 ઓક્ટોબર, 2017, ગુરૂવાર

રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે. ના, આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નહીં પણ નાણાં મંત્રી અરુણ જેટલીને અડફેટે લીધા છે. રાહુલ ગાંધીએ હિન્દીમાં એક ટ્વિટ કરીને કહ્યું છે કે, ડૉ. જેટલી નોટબંધી અને જીએસટીના કારણે અર્થતંત્ર આઈસીયુમાં છે. તમે કહો છો તમે કોઈનાથી કમ નથી, પરંતુ તમારી દવામાં દમ નથી.

રાહુલ ગાંધીનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. હજારો લોકોએ તેને રિટ્વિટ પણ કર્યું છે. એટલું જ નહીં, લોકોમાં તેમાં કમેન્ટ કરીને રાહુલ ગાંધીને સાથ પણ આપી રહ્યા છે. આ પહેલાં પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસના જીએસટીને ‘જેન્યુઇન સિમ્પલ ટેક્સ’ અને ભાજપના જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ કહીને મોદી સરકારની આર્થિક નીતિઓની સખત શબ્દોમાં ટીકા કરી હતી. એ પછી જેટલીએ રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે, જે લોકોએ ટુજી અને કોલસા કૌભાંડ કર્યું છે તેમને કાયદેસરના કરવેરા ભરવાથી વાંધો પડવાનો જ છે.

રાહુલનું ટ્વિટ વાયરલ થતાં જ ભાજપના નેતાઓ જેટલીના બચાવમાં ઉતરી પડયા છે. કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કહ્યું છે કે, રાહુલ ગાંધી બાળકો જેવા નિવેદનો કરવામાં નિષ્ણાત સાબિત થયા છે. આ વાત ભારતના લોકો જ નહીં, તેમના પક્ષના નેતાઓ પણ જાણે છે. હવે તો લોકો એવું પણ કહે છે કે, ભાજપને તમે જ્યાં જીતાડવા માંગતા હોવ ત્યાં રાહુલ ગાંધીને મોકલો, ત્યાં ભાજપ આપોઆપ જીતી જશે. કોંગ્રેસમાં જ રાહુલ ગાંધીની સ્વીકૃતિ કેટલી છે? કોંગ્રેસનું અધ્યક્ષપદ રાહુલ ગાંધીને સોંપવામાં મોડું થઈ રહ્યું છે કારણ કે, પક્ષમાં જ બે તેમને નેતાગીરી સોંપવા માટે ભિન્ન મત છે.

આ દરમિયાન શર્માએ એનડીએ સરકારની આર્થિક નીતિઓના વખાણ કરતા કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ખૂબ સારી રીતે આગળ વધી જ રહ્યું છે. જીએસટી અને નોટબંધી જેવા પગલાં લેવા બદલ સરકારના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વખાણ થઈ રહ્યા છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/you-are-not-somebody-but-you-have-no-fear-in-your-medicine#sthash.4LkQWR4a.dpuf