દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ રાહુલ ગાંધી અનેક સભા

સુરત, તા.27 ઓકટોબર 2017, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાટો આવી ગયો છે. ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપનો ગઢ ગણાતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત તથા આદિવાસી પટ્ટીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અનેક સભાનું આયોજન કોંગ્રેસે કરી દીધું છે.

જે રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સંખ્યાબંધ સભા થઈ હતી તેવી જ રીતે ૧થી ૩ નવેમ્બર દરમિયાન રાહુલ ગાંધીની સભાનું આયોજન કરાયું છે.

ચૂંટણીની જાહેરાત સાથે જ કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવા પહેલા સ્ટાર પ્રચારક અને ક ોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

કોગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર ૧ નવેમ્બરથી ૩ નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના રાહુલ ગાંધીના પ્રવાસ માટે ત્રણ રૃટ બનાવાયા છે.

જેમાંથી એક રૃટ ફાઈનલ થશે. આ ત્રણ દિવસમાં સુરત, ઉધના, નવસારી, ગણદેવી, ચીખલી, વલસાડ, પારડી, વાપી, નાના પોંઢા, ધરમપુર, વાંસદા, ઉનાઈ, બુહારી, વાલોડ, બાજીપુરા, વ્યારા, સોનગઢ, માંડવી, ઝંઝવાવ, વાલિયા, અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ, સરોલી જેવા વિસ્તારમાં સભાને સંબોધશે.

હાલ પ્રાથમિક ધોરણે આ કાર્યક્રમ આવ્યો છે તેમાં કેટલાક ફેરફારને પણ અવકાશ છે. પરંતુ આ ત્રણ દિવસમા કોંગ્રેસના ઉપાધ્યક્ષ દક્ષિણ ગુજરાતમાં સંખ્યાબંધ સભા સંબોધશે તે નક્કી છે.

રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના કાર્યક્રમની જાહેરાત થતાં જ દક્ષિણ ગુજરાતના કોગ્રેસના કાર્યકરોમાં નવુ જોમ જોવા મળી રહ્યું છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/rahul-gandhi-several-days-in-the-bjp-stronghold-south-gujarat-for-three-days#sthash.cB3DMRrG.dpuf