CCTVનો ઉપયોગ ભાજપ સરકાર જાસૂસી પાછળ વધારે કરે છે : કોંગ્રેસ

Oct 26, 2017

ભાજપ સરકાર સત્તા બચાવવા અને ટકાવવા કેવા હવાતિયા મારી રહ્યું છે તે છેલ્લા કેટલાક દિવસોની ઘટના પરથી સાબિત થાય છે. સીસીટીવી ફૂટેજ એ રાજયના નાગરિકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો ભાગ છે પરંતુ ભાજપ સરકાર તેનો ઉપયોગ રાજયના નાગરિકોની સુરક્ષા કરતા વધુ જાસુસી કરવા પાછળ કરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રર-રર વર્ષના કુશાસન,ભ્રષ્ટ શાસન આપનાર ભાજપ સત્તા જઈ રહી હોવાના ડર-હતાશા નિરાશાથી રઘવાઈ થઈ છે. પરિણામે સત્તા બચાવવા-ટકાવવા કોંગ્રેસ પક્ષના મુખ્ય આગેવાનો અને સામાજિક આંદોલન ચલાવતા વિવિધ સમાજના યુવા નેતાઓના ફોન સર્વેલન્સ જાસુસી કરવામાં આવી રહી છે. જે રીતે કોંગ્રેસ પક્ષના રાજકીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે હોટલમાં થોડા સમય માટે રોકાયા હતા. તેમના સીસીટીવી ફૂટેજ પોલીસતંત્ર, વહીવટીતંત્ર, દ્વારા તપાસના નામે મેળવી લઈ અને ખોટા ઉદ્દેશને સિધ્ધ કરવા સમૂહ માધ્યમોમાં પ્રસિધ્ધ કરાયા જે ઘણી ગંભીર બાબત છે.

ભાજપ તેમના પક્ષમાં અલગ-અલગ મત ધરાવતા આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો અને રાજયના મહત્વના નાગરિકોના ફોન સર્વેલન્સ લાંબા સમયથી કરી રહી હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં બની ચૂકી છે. ભાજપ સરકાર અને ભાજપ પક્ષમાં હિંમત હોય તો તા.રપમી ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ પાટીદાર ભાઈ-બહેનો ઉપર થયેલા અમાનુષી અત્યાચાર, પોલીસ દમનના સીસીટીવી ફૂટેજ સમૂહ માધ્યમોમાં જાહેર કરે તથા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ સમૂહ માધ્યમોમાં રૂપિયા ૧૦ લાખ દ્વારા ખરીદવાની ઘટનાનો પર્દાફાશ કર્યો ત્યારે આ ૧૦ લાખ રૂપિયા આપનાર કોણ ? તે અને ભાજપના અધ્યક્ષ અને નરેન્દ્ર પટેલની ખાનગી મીટિંગના સીસીટીવી ફૂટેજ સમૂહ માધ્યમોમાં જાહેર કરે.

Source: http://www.gujarattoday.in/cctv-no-upyog-bjp-sarkar/