કોંગ્રેસ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના ઉમેદવારો જાહેર કરશે
અમદાવાદ, તા.25 ઓકટોબર 2017,બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસે દિલ્હીમાં ઉમેદવારી પસંદગીનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે. કોંગ્રેસ હવે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારો જાહેર કરવા નક્કી કર્યું છે.
સૂત્રોના મતે,દિલ્હીમાં આજે સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી હતી જેમાં અલ્પેશ ઠાકોરના પ્રવેશ બાદ નવા રાજકીય સમીકરણો બદલાતાં હવે ઉમેદવાર પસંદગી કયા મુદ્દે કરવી તે અંગે ચર્ચા કરાઇ હતી.ઉમેદવારી પસંદગી પ્રક્રિયામાં કેટલીક બેઠકો પર અલ્પેશ ઠાકોરનો પણ મત લેવાનુ નક્કી કરાયુ છે. આ જોતાં ઘણી બેઠકોમાં ઉમેદવારોની પસંદગીમાં બદલાવ થવાની સંભાવના છે. બે દિવસ સુધી સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળવાની હતી પણ હવે બુધવારે પણ આ બેઠક ફરી મળી રહી છે.
અગાઉ વર્તમાન ધારાસભ્યોને રિપિટ કરીને અમુક બેઠકો સાથે પ્રથમ યાદી જાહેર કરવા નક્કી કરાયુ હતું. પણ હવે વિધાનસભાની ચૂંટણીઓ જે રીતે તબક્કાવાર યોજાવવાની છે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરાશે જયારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતની બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે.ટૂંકમાં,કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારને મેદાને ઉતારવામાં માગે છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-will-declare-candidates-of-saurashtra-south-gujarat-in-the-first-phase#sthash.JhM6FEVt.dpuf