પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસે કાર્યવાહી શરૃ કરી
ગાંધીનગર,બુધવાર તા. 25 ઓક્ટોબર 2017 વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઇ જવાની સાથે જ રાજકીય ગરમાવો આવવા લાગ્યો છે તેવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી આક્રમક મુડમાં હોય તેમ લાગી રહ્યું છે અને પક્ષવિરોધી કામગીરી કરનાર સદસ્યો કે કાર્યકરોને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા માટેની ચિમકી આપવામાં આવી છે.તે વચ્ચે દહેગામ તાલુકા પંચાયતમાં પ્રમુખના ઇલેક્શન વખતે ક્રોસ વોટીંગ કરનાર ત્રણ મહિલા સદસ્ય સામે નામોદિષ્ટ અધિકારી સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે. તો ચૂંટણી વખતે પણ પક્ષવિરોધી કામગીરી કરનાર સામે તાત્કાલિક નિર્ણય કરીને આવા ગદ્દાર નેતાઓને પદભ્રષ્ટ કરવામાં આવશે.
દહેગામ પંચાયતમાં ક્રોસ વોટીંગ કરનાર ત્રણ મહિલા સદસ્યો સામે નામોદિષ્ટ અધિકારી સમક્ષ ફરિયાદ વિધાનસભાના બીજા ચરણમાં ગાંધીનગર જિલ્લાના પાંચેય બેઠકો માટે મતદાન થવાના છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીએ રણનીતિ તેજ કરી દીધી છે.ત્યારે સતત પોતાના કાર્યકરો કે સદસ્યોની ગદ્દારીથી હારતી કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ વખતે આવા પક્ષ વિરોધી નેતાઓ સામે લાલ આંખ કરવાનું નક્કી કર્યું છે. જેને લઇને પ્રદેશના આદેશને ધ્યાનમાં રાખીને પક્ષપલટું તેમજ પક્ષ વિરોધી કામગીરી કરનાર સદસ્યોને પદભ્રષ્ટ કરવામાં આવશે.
આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, પ્રદેશની મળેલી સુચનાને ધ્યાને રાખીને તાજેતરમાં દહેગામ તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી વખતે ભાજપમાં વોટીંગ કરનાર ત્રણ મહિલા સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રંજનબેન બિહોલા, આશાબેન લક્ષમણસિંહ ઝાલા અને લીલાબેન બાબુજી ઝાલાનો સમાવેશ થાય છે.આ પક્ષવિરોધી વોટીંગ કરનાર ત્રણ સદસ્યો સામે દહેગામના સ્થાનિક નેતાઓ દ્વારા નામોદિષ્ટ અધિકારી સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે અને તેમને પક્ષમાંથી ગેરલાયક ઠેરવીને સદસ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવા માટે રજુઆત કરાઇ છે.જો કે, આચારસહિતા લાગુ પડી જવાને કારણે આ અંગે હાલ પુરતો કોઇ નિર્ણય નહીં લેવાય તેમ આંતરિક સુત્રોમાંથી માહિતી મળી રહી છે.
એટલુ જ નહીં, આગામી ચૂંટણીના સમયમાં પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા કે હાઇકમાન્ડના આદેશની અવગણના કરીને પક્ષ વિરોધી કામગીરી કરનાર સામે પણ આકરા પગલાં લેવા માટે પ્રદેશકક્ષાએથી જિલ્લા પ્રમુખોને આદેશ આપવામાં આવ્યા છે. આવા પક્ષવિરોધીઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી છુટા કરી દેવા માટે પણ મળેલી સુચનાનો અમલ કરવામાં આવશે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/congress-initiated-proceedings-against-anti-party-activists#sthash.fzBip2JI.dpuf