ગુજરાત અમુલ્ય છે, કોઇ નહીં ખરીદી શકે : રાહુલ ગાંધી

October 23, 2017 | 10:13 am IST

ગુજરાત વિધાનસભાની તારીખનું એલાન ભલે ન થયું હોય પરંતુ રાજકિય પક્ષોમાં ગરમાગરમી વધી ગઈ છે. છેલ્લા 22 દિવસોમાં વડાપ્રધાન મોદી ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. હવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ પહેલાં જ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત અમુલ્ય છે, ગુજરાતને કોઇ ખરીદી નહીં શકે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની શરૂઆત અમદાવાદમાં રેલીથી થશે. અહીં રાહુલ ઓબીસીના નવસર્જન જનાદેશ મહાસમ્મેલનમાં ભાગ લેશે. સુત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાટીદાર નેતા હાર્દિક પટેલની પણ મુલાકાત કરી શકે છે. જોકે, આ પહેલા હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવા માટે ઇન્કાર કર્યો હતો.

કોંગ્રેસે હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ પાર્ટીમાં સામેલ થવા માટે ઓફર કરી હતી. પરંતુ આ બંનેએ આ ઓફરને હજી સુધી મંજૂર કરી નથી. ઉલ્લેખનીય છે કે ચુંટણી પંચે 12 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણીનો કાર્યક્રમ ઘોષિત કર્યો છે. અંહી નવ નવેમ્બરે એક જ તબક્કામાં ચુંટણી થશે. હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં તારીખોની પણ ઘોષણા થવાની હતી. પરંતુ આયોગે ગુજરાત ચુંટણીને લઇને કોઇ ઘોષણા કરી ન્હોતી.

Source: http://sandesh.com/rahul-gandhi-gujarat-visit-for-three-days/