ગુજરાતમાં બિહાર જેવા મહાગઠબંધનની કોંગ્રેસની તૈયારી

Oct 19, 2017

નરેન્દ્ર મોદી અને ભાજપને પછાડવા માટે ગુજરાતમાં પણ મહાગઠબંધનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ વિરૂદ્ધ મહાગઠબંધન બનાવવા માટે જેડીયુ(વાસવ જૂથ), હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીતના દોર ચલાવી રહ્યા છે. ગુજરાતની ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી સાથે ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે. ગુજરાત પીએમ મોદીનું ગૃહરાજ્ય તો છે જ સાથે ગુજરાતના વિકાસ મોડેલનો પ્રચાર કરી ભાજપે સમગ્ર દેશમાં પોતાની સત્તાનું વિસ્તરણ કર્યું છે. હવે ગુજરાતમાં ભાજપને થનારા કોઇ પણ પ્રકારના નુકસાન પીએમ મોદીની છબિને સીધા નુકસાન તરીકે જોડવામાં આવશે. આ માટે ગુજરાતમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષો ભાજપનો નબળું પાડવાની રણનીતિ અપનાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અમારી વાતચીત ચાલી રહી છે અને અમે કેવા પ્રકારના સમીકરણો બની શકે છે તે અંગે વિચારણા કરી રહ્યા છીએ. આની ચોક્કસપણે બેઠકોની વહેંચણી પર પણ અસર રહેશે.

જેડીયુ નેતા છોટુભાઇ વસાવા હાલ ગુજરાતમાં છે અને તેઓ બેઠકોની વહેંચણી માટે કોંગ્રેસના નેતા અશોક ગેહલોત અને ભારતસિંહ સોલંકી સાથે મુલાકાત કરશે. જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવ પણ દિલ્હીથી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન મહાગઠબંધનની સંભાવનાઓને અંતિમ રૂપ આપી દેવામાં આવશે.

રાહુલ ગાંધી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલના અગાઉના પ્રવાસમાં રેલીઓમાં મોટી સંખ્યામાં પાટીદારો, દલિતો અને ઓબીસી સમુદાયો જોડાયા હતા. અગાઉની ચૂંટણીઓમાં મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડાતી હોવાથી ભાજપને ચોખ્ખી બહુમતી મળી હતી પરંતુ મોદી હવે દિલ્હીમાં છે તેથી સત્તાધારી પક્ષ માટે રાજ્યમાં ચૂંટણીઓ કપરાં ચઢાણ છે. આ માટે જ પીએમ પોતે પોતાના ગઢને બચાવવા મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ ગુજરાતના ત્રણ યુવા આંદોલનકારીઓ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ભાજપને આ વખતે સત્તામાંથી ઉખેડી ફેંકવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેથી સરકાર વિરૂદ્ધ પટેલો, દલિતો અને લઘુમતીઓ એકજૂથ થઇ શકે છે. બીજી તરફ રાજ્યસભાની બેઠક માટે અહમદ પટેલની જીત બાદ કોંગ્રેસમાં પણ ઉત્સાહ વધ્યો છે.

Source: http://www.gujarattoday.in/gujarat-ma-bihar-jeva/