અર્જુન મોઢવાડીયા: ચૂંટણીમાં કોઇ ગેરરીતિ નહીં કરી જાય તે માટે સજાગતા બતાવવાની જરૃર

ચીખલી, તા.૧૫ ઓકટોબર 2017, રવિવાર

હવે પરિવર્તનની હવા શરૃ થઇ છે ત્યારે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇ ગેરરીતિ નહીં કરી જાય તે માટે આપણે સજાગતા બતાવવાની જરૃર છે અને જો ગેરરીતિની ખબર પડે તો તે જ સમયે મતદાન અટકાવી દેવાની પ્રક્રિયા કરવી પડશે એમ નવસારી જિલ્લાના ખેરગામના વાડ ગામે યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું.

ચીખલી-ગણદેવી વિધાનસભા બેઠકના કોંગ્રેસના સ્નેહમિલન સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને અભિનંદન આપી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, વલસાડ અને નવસારીની બેઠક કોંગ્રેસ જીતી જશે તો ગુજરાત જીતી જઇશું. ભાજપ ૨૨ વર્ષથી સત્તા પર બેઠી છે અને કોંગ્રેસ પાસેથી ૬૦ વર્ષનો હિસાબ માંગે છે. ભાજપે આઝાદીની લડાઇ નથી લડી જ્યારે કોંગ્રેસે બલિદાન આપ્યા છે. જેણે ક્યારેય વંદે માતરમ્ ગાયું નથી, તે હવે ગાંધીજીનું નામ લેતા થઇ ગયા છે. ગુજરાતનો જન્મ જ ૨૦૦૨ પછી થયો હોય એવું મને લાગી રહ્યું છે, એટલી હદે વિકાસ થયો હોય એમ બતાવી રહ્યાં છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીની આખી ફોજ ઉતરશે, કારણ કે મોદીને ભય સતાવી રહ્યો છે. ચૂંટણીની તારીખ પણ લંબાવી રહ્યાં છે. કોંગ્રેસે બનાવેલી શાળા-કોલેજોમાં ભણીને ભાજપના લીડરો બન્યા છે. ગ્રાંટેબલ કોલેજ અને સ્કૂલો કોંગ્રેસ સરકારે આપી છે. મેડીકલ કોલેજ કોંગ્રેસે બનાવી છે. જ્યારે ભાજપ સરકારમાં શિક્ષણની દુકાનો શરૃ થઇ છે. નવા બંદરો બન્યા નથી, ડેમ બન્યા નથી.

અમિત શાહનો વિકાસ થયો છે, જૂઠ્ઠું બોલવુ, જોરથી બોલવું અને વારંવાર બોલવું એ ભાજપની નીતિ રહી છે. ખેડૂતો પર કોઇ ટેક્સ નહીં આવે એવું વચન આપ્યું હતું પરંતુ શેરડી અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો પર પણ ટેક્સ નાંખી દેતા મુશ્કેલી અનુભવી રહ્યાં છે. કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામનો પાઇએ પાઇનો હિસાબ લઇશું.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/modhwadia-needs-to-be-alert-to-avoid-any-irregularities-in-the-elections