ગુરદાસપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત, સિદ્ધુએ દિવાળી ભેટ ગણાવી
ચંદિગઢઃ ગુરદાસપુર લોકસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી મોટી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે 1,93,219 મતથી જીત હાંસલ કરી છે. મત ગણતરીની શરૂઆતથી જ આગળ ચાલતાં સુનિલ જાખડે ગુરદાસપુર બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. આ બેઠક વિનોદ ખન્નાના નિધન બાદ ખાલી થઈ હતી. આ બેઠકમાં 11 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ સીધો મુકાબલો ભાજપના સ્વર્ણ સલારિયા અને કોંગ્રેસના સુનિલ જાખડ વચ્ચે હતો. તો આપ તરફથી મેજર જનરલ સુરેશકુમાર ખજૂરીયા મેદાનમાં હતા. ભાજપ બીજા અને આપ ત્રીજા નંબર પર છે. તો કેરળના વેનગના સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના કેએનએ કાદરે 23,310 મતથી જીત હાંસલ કરી છે જયારે ભાજપના ઉમેદવારને માત્ર પાંચ હજાર જ મત મળ્યાં હતા.
ભાજપ પાસેથી ગુરદાસપુરની બેઠક આંચકી
– ગુરદાસપુર પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે 1,93,219 મતથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે.
– કોંગ્રેસના જાખડને જ્યાં 4,99,752 મત મળ્યાં હતા તો ભાજપના સ્વર્ણ સલારિયાને 3 લાખ છ હજાર 533 મત જયારે આપના ઉમેદવાર મેજર જનરલ (રિટાયર્ડ) સુરેશકુમાર ખજૂરીયાને માત્ર 23,579 મત જ મળ્યાં હતા.
– આ ચૂંટણીમાં 7 હજાર 587 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.
‘કેન્દ્ર સરકારની નીતિનું પરિણામ’
– આ જીત બાદ સુનિલ જાખડે કહ્યું કે, “ગુરદાસપુરના લોકોએ કેન્દ્ર સરકારની નીતિઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે જે સંદેશ આ પરિણામ પરથી મળે છે.”
– પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરી કહ્યું કે, “ગુરદાસપુરના લોકોને વિશ્વાસ અપાવુ છું કે સુનિલ જાખડ દ્વારા કરવામાં આવેલાં પ્રત્યેક વાયદાઓને પૂર્ણ કરવામાં આવશે અને તમામ વિકાસ કાર્યોને ફાસ્ટ ટ્રેક પર લેવામાં આવશે.”
– પંજાબ કોંગ્રેસના ઈનચાર્જ આશાકુમારીએ કહ્યું કે, “આ ઐતિહાસિક જીત છે. મોદીજીની સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. આ તો એકમાત્ર શરૂઆત જ છે.”
– ગુરદાસપુર બેઠક પર ભવ્ય જીત હાંસલ કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓએ ગુરદાસપુર, ચંદીગઢ સહિત અનેક જગ્યાએ ફટાકડાં ફોડી તેમજ મીઠાઈ વ્હેંચી જીતનો જશ્ન મનાવ્યો હતો.
ભાજપને થપ્પડ મળી છે જેનો પડઘો દેશભરમાં સંભળાશે – સિદ્ધુ
– પંજાબ સરકારના મંત્રી અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલાં નવજોતસિંહ સિદ્ધુએ આ જીતને સૌથી મોટો વિજય ગણાવતાં ભાજપ અને અકાલી દળ પર પ્રહાર કર્યાં હતા.
– સિદ્ધુએ ગુરદાસપુરની બેઠકમાં મળેલા રકાસને ભાજપને જનતાની થપ્પડ ગણાવી હતી અને તેના પડઘા દેશભરમાં સંભળાશે તેવા વાકપ્રહાર કર્યા હતા
– સિદ્ધુએ ગુરદાસપુરમાં કોંગ્રેસની જીતને કોંગ્રેસની કમાન સંભાળનારા રાહુલ ગાંધીને દિવાળીની ભેટ ગણાવી છે.
11 ઓકટોબરે થયું હતું મતદાન
– જાણીતા એક્ટર અને સાંસદ વિનોદ ખન્નાનું કેન્સરના કારણે થયેલા અવસાન બાદ ખાલી પડેલી ગુરદાસપુર લોકસભા સીટ પર 11 ઓક્ટોબર પેટાચૂંટણી યોજાઈ હતી.
– 15.22 લાખ વોટર્સ ધરાવતી ગુરદાસપુર લોકસભાની પેટાચૂંટણીમાં 11 ઉમેદવારો નસીબ અજમાવ્યું હતું.
ત્રિપાંખિયો જંગ
મુખ્ય હરિફાઇ ભાજપના ઉમેદવાર સ્વર્ણ સલારિયા, કોંગ્રેસના સુનિલકુમાર જાખડ અને આમ આદમી પાર્ટીના રિટાયર્ડ મેજર જનરલ સુરેશકુમાર ખજૂરીયા વચ્ચે હતો. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા બાદ તે ભાજપને આ સીટ પર ટક્કર આપશે તેમ માનવામાં આવી રહ્યું હતું પરંતુ પરિણામ જોતાં મુકાબલો એક તરફી જ રહ્યો હતો. અને શરૂઆતથી જ લીડ મેળવનારા કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે અંતે ભવ્ય જીત હાંસલ કરી છે.
ભાજપમાંથી 4 વખત સાંસદ રહ્યાં હતા વિનોદ
– ભાજપ માટે ગુરદાસપુર સીટ બચાવવા માટેનો પડકાર છે. ખન્ના ભાજપની ટિકિટ પર અહિંથી 4 વખત સાંસદ રહ્યાં હતા.
– થોડા દિવસ પહેલાં કોંગ્રેસના કેન્ડિડેટ જાખડે પેટા ચૂંટણીને મોદી સરકાર માટે ટેસ્ટ સમાન છે તેમ જણાવ્યું હતું.
– પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આપની હાજરીથી મુકાબલો ત્રિકોણીયો બન્યો હતો.
– ગુરદાસપુર સંસદીય સીટમાં 9 વિધાનસભા ક્ષેત્ર ભોઆ, પઠાણકોટ, ગુરદાસપુર, દીનાનગર, કાદિયાં, ફતેહગઢ, ચૂડિયાં, ડેરા બાબા નાનક, સુઝાનપુર અને બટાલા છે.
– 6 વિધાનસભા સીટોની કાઉન્ટિંગ માટે ગુરદાસપુરના સુખજીન્દ્ર કોલેજ, બાકીની 3 સીટ માટે પઠાણકોટમાં સેન્ટર બનાવવામાં આવ્યા હતા.
– ઈલેકશન કમિશને કાઉન્ટિંગ દરમિયાન ગુરદાસપુરમાં શરાબના વેચાણ અને સપ્લાઈ પર રોક લગાવી દીધી હતી.
Source: https://www.divyabhaskar.co.in/news/NAT-punjab-gurdaspur-lok-sabha-by-poll-counting-gujarati-news-5721486-PHO.html