શિક્ષણનો ઉદ્દેશ સેવા અને લોકોને શિક્ષિત કરવાનો પણ ભાજપ સરકારે તેને વેપાર બનાવ્યો: રાહુલ ગાંધી
Oct 12, 2017
છોટાઉદેપુર,તા.૧૧
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે નવસર્જન યાત્રાની શરૂઆત છોટાઉદેપુરથી કરી હતી. જિલ્લામાં પ્રથમવાર આવેલા રાહુલ ગાંધીના રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી ભાઈ-બહેનોએ નાચગાન કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુરના દરબાર હોલમાં જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે શિક્ષણનો ઉદ્દેશ સેવાનો છે લોકોને શિક્ષિત બનાવવાનો છે પરંતુ ભાજપ સરકારે તો શિક્ષણને વેપાર બનાવી દીધો છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી છે પરંતુ રોજગાર વિના શિક્ષણનો કોઈ જ મતલબ નથી જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવી હોય પરંતુ રોજગારી જ ના મળે તો એવા શિક્ષણનો મતલબ ખરો ? તમારા નાણાં વ્યર્થ જ ગયા. સરકારે લક્ષ નક્કી કરવું જોઈએ કે યુવાનોને માત્ર ડિગ્રી આપવા માટે જ નહીં પરંતુ દરેક યુવાનોને નોકરી કે રોજગાર મળવો જોઈએ, તે મુજબનું શિક્ષણ હોવું જોઈએ. ગુજરાતમાં શિક્ષણને વેપાર બનાવી નાખ્યો છે. મોટાભાગની કોલેજો તેમના મળતિયા કે ઉદ્યોગપતિઓને ફાળવી દેવાઈ છે આથી તમારે શિક્ષણ મેળવવું હોય તો નાણાં ખર્ચો તેમ છતાં રોજગારી મળવાની કોઈ ગેરન્ટી નહીં. આ મુજબ જણાવી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજ ગુજરાત સરકારની સચ્ચાઈ છે અને છેલ્લા રર વર્ષથી આ પ્રમાણે ચાલી રહ્યું છે જે સિસ્ટમ અમે બદલવા માંગીએ છીએ. ઉદ્યોગપતિઓની સિસ્ટમને તોડવા માંગીએ છીએ. કારણ કે ગુજરાતમાં આવા ૧૦થી ૧પ ઉદ્યોગપતિઓનું જ ભવિષ્ય છે અને આવા લોકોનો જ પ્રજાના પૈસે લોકોના હક છિનવી વિકાસ થઈ રહ્યો છે. પરંતુ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો છોટાઉદેપુરમાં મેડિકલ કોલેજ બનાવીશું. શિક્ષણ, રોજગારી અને મહિલાઓની સલામતી માટે કામ કરીશું.
રાહુલ ગાંધીએ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કરેલા સંવાદ દરમિયાન ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી કે આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં બસ સુવિધા ન હોવાથી ૧૬ કિલોમીટર ચાલીને શાળામાં ભણવા જવું પડે છે. કેટલાક શાળાઓમાં શિક્ષકો નથી, જિલ્લામાં મેડિકલ કોલેજ નથી, મહિલાઓની સલામતી નથી, યુવાઓને રોજગારી મળતી નથી, જેવા અનેક સવાલો આવ્યા હતા. જેના જવાબમાં રાહુલ ગાંધીએ અમારી સરકાર આવશે તો તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવશે એમ જણાવ્યું હતું.
Source: http://www.gujarattoday.in/shikshan-no-uddesh-seva-and-lokone/