ચૂંટણી નજીક આવતાં જ ભાજપ સરકારને છેલ્લા ૧૫ દિવસથી લોકો યાદ આવ્યા: કૉંગ્રેસ

અમદાવાદ: ચારેબાજુથી ઘેરાઈ ગયેલી, હતાશ, નિરાશ અને ભ્રષ્ટ ભાજપ સરકારને ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતના નાગરિકો છેલ્લા ૧૫ દિવસથી યાદ આવ્યા હોય તેમ એક પછી એક ચૂંટણીલક્ષી જાહેરાતોએ ભાજપ સરકારની ૨૨ વર્ષની નિષ્ફળતાનું એકરારનામુ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઔડા રીંગ રોડ પર ટોલ ટેક્ષ મુક્તી હકીકતમાં ટોલ ટેક્સના નામે ભાજપ સરકારના મળતીયા કંપનીઓએ સ્થાનિક નાગરિકો -વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયા વસૂલી લીધા છે હવે ચૂંટણી નજીક આવતા ટોલ ટેક્ષ માફીની જાહેરાતો કરે છે. કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં એક ટકાના વધારો હકીકતમાં ૧૨ મહિના કરતાં વધુ સમયથી કર્મચારીઓની વાંરવારની માગણી હોવા છતા ભાજપ સરકારની કર્મચારી વિરોધી માનસિક્તાને કારણે કર્મચારીઓને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવતા વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કામ કરતાં સફાઈ કામદારોને વર્ષોથી ઓછું વેતન ચૂકવીને ભાજપ સરકાર દ્વારા આર્થિક શોષણ કરી રહી છે. સ્વચ્છતા અભિયાનમાં કરોડો રૂપિયાની જાહેરાત, સાધન ખરીદી અને સફાઈ કામના નામે કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભાજપ શાસકો કૌભાંડ કરી રહ્યાં છે. ચૂંટણી નજીક આવતા માત્રને માત્ર ખાલી જગ્યાના ૫૦ ટકાની મર્યાદામાં ભરતી કરવાની જાહેરાત સફાઈ કામદારો સાથે છેતરપિંડી સમાન છે.

રાજ્યમાં લાખો ગેરકાયદેસર બાંધકામ, ટી.પી. માં ફેરબદલના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બાંધકામના નિયમોમાં વારંવાર ફેરફાર એ ભાજપ સરકારની મળતીયા બિલ્ડરો અને જમીન માફિયા સાથેની સાંઠગાઠ ધનસંગ્રહ યોજનાનો ભાગ છે.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=383434