ગોધરામાં રાહુલના રોડ શોમાં હજારોની મેદની ઉમટી

ગોધરા, તા.11 ઓકટોબર 2017,બુધવાર

ગોધરા ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સૌ પ્રથમવાર ગોધરા આવવાનાં હોવાથી લોકો ગાંધીચોક પાસે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાહુલ ગાંધીની બસ આવતાની સાથે તેઓે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાહુલના રોડ શોમાં હજારોની મેદની ઉમટી પડી હતી.

રાહુલ ગાંધી ગોધરામાં રોડ શો કરવાનાં હોવાથી રોડ શોનાં તમામ માર્ગો પર રાહુલ ગાંધીનાં મોટા હોર્ડીંગ્સ અને બેનરો લગાવાયા હતા. ગોધરાનાં ગાંધીચોક પાસે કોંગ્રેસ દ્વારા ખાસ સજાવટ ઉભી કરવામાં આવી હતી. બપોરથી જ કોંગી કાર્યકરો તથા ગોધરાનાં નગરજનો ગાંધીચોક ખાતે આવી પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે નાચગાન કરી કોંગ્રેસ આવે છે. નાં નારા ગજવ્યા હતા. રાહુલ ગાંધીની બસ આવતા જ ઉપસ્થિત લોકોએ તેઓનું પુષ્પથી સ્વાગત કર્યું હતું.

પાસનાં કાર્યકરોએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરી હળ અર્પણ કર્યું હતું. રાહુલ ગાંધીની બસ એસ.ટી. સ્ટેન્ડ થઇ ભુરાવાવ થઇ ભામૈયા ચોકડી ખાતે પહોંચી હતી. તમામે તામ ચોકડીઓ પર યુવા કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. અને રાહુલગાંધીની બસ સહિતનો કાફલો ટુવા પહોંચ્યો હતો. જયાં રાહુલ ગાંધીએ વિવિધ ક્ષેત્રનાં કારીગરો સાથે સંવાદ કર્યો હતો.

જી.એસ.ટી., નોટબંધી, મોંઘવારી બેરોજગારી જેવી અનેક બાબતો પર ચર્ચા કરી હતી. ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કરી તેમણે કહ્યું હતું કે સરકાર જી.એસ.ટી.ને સરળ કરે અને પેપરવર્ક સરળ કરે અને જો નહી કરે તો આગામી સમયમાં વિપક્ષ જબરદસ્ત આંદોલન કરશે. ત્યારબાદ રાહુલ ગાંધીની નવસર્જનયાત્રા ફાગવેલ ખાતે જવા રવાના થઇ હતી.

રાહુલ ગાંધી ગોધરાનાં ચર્ચ વિસ્તારમાંથી રોડશો કરવાનાં હોવાથી જનમેદની ઉમટી પડી હતી. ખાસ કરીને પાસનાં કાર્યકરો પણ તેઓનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન એસપીજી અને સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મામલો થાલે પડતાં પાસનાં કન્વિનરો અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું હળ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/rahul-s-road-show-in-godhra-thousands-of-fences