અમારી સરકારમાં તમારે “મન કી બાત” સાંભળવી નહીં પડે, અમે તમારા મનની વાત સાંભળીશું : રાહુલ

Oct 10, 2017

નડિયાદ, તા.૯
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી અમદાવાદના હાથીજણથી પોતાના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી મહેમદાવાદના ખાત્રજ ખાતે પ્રથમ સભા સંબોધી હતી ત્યારબાદ તેઓ નડિયાદ સંતરામમંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરી તેમણે સભાને સંબોધન કર્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મોદી મત લેવા માટે ધર્મની વાતો કરે છે પરંતુ બાદમાં પોતાનું કામ પતી જતા ધર્મને ભૂલી જાય છે. પરંતુ યાદ રહે કે ધર્મ ક્યારેક ભેદભાવ શીખવતો નથી તો પછી ગુજરાતમાં ભેદભાવ કેમ ?

ગુજરાતમાં વધુ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી આજે ખેડા જિલ્લામાં આવી ચડ્યા હતા. મહેમદાવાદ ખાત્રજ ચોકડીએ ભવ્ય સ્વાગત થયું હતું. ત્યાં તેમણે જંગી સભા સંબોધ્યા બાદ નડિયાદ સંતરામ મંદિર ખાતે આવ્યા હતા ત્યાં દર્શન કર્યા બાદ તેમણે સભા સંબોધી હતી.

રાહુલ ગાંધીના આગમનને લઈ ઉપસ્થિત પ્રજાએ કોંગ્રેસ આવે છે ના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાની આગવી સ્ટાઈલે હાથ ઊંચો કરી પ્રજાનું અભિવાદન કર્યું હતું. પોતાના પચ્ચીસ મિનિટના ભાષણમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી તેમજ ભાજપ સરકારને આડા હાથે લીધી હતી. તેમણે પોતાની શરૂઆત સંતરામ મંદિરની પાવન ભૂમિની મહિમાથી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી ત્યારે નડિયાદમાં રોકાણ કર્યું હતું અને એટલે ધરતીથી અંગ્રેજો સામે લડાઈ શરૂ થઈ હતી. સંતરામ મંદિર કોઈ જાતના ભેદભાવ વગર તમામ લોકો માટે કામ કરે છે. તે જાણી રાહુલ ગાંધી પ્રભાવિત થયા હતા.

રાહુલ ગાંધીએ ધર્મની વાત કરતા અને આચરણમાં ધર્મના સિદ્ધાંતો ન મૂકનાર નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદીજી વોટ લેને લીએ ધર્મ કી બાત કરતે હૈ ઔર બાદમેં અપના કામ નિકલને કે બાદ ધર્મકો ભૂલ જાતે હૈ, ધર્મ કભી ભેદભાવ નહીં શીખાતા તો ફીર ગુજરાત મેં ભેદભાવ ક્યોં ? દસ બારા ઉદ્યોગપતિઓ કા વિકાસ હુઆ હૈ.

તેમણે અમિત શાહના પુત્રને યાદ કરી જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૪ બાદ અમિત શાહના પુત્રની ફેક્ટરીને સોળ હજાર ગણો ફાયદો થયો છે. રૂપિયા પ૦,૦૦૦થી શરૂ થયેલી ફેક્ટરીનો નફો રૂપિયા ૮૦ કરોડ સુધી પહોંચ્યો છે. નોટબંધી અને જીએસટીથી નાના ઉદ્યોગોવાળાની હાલત ખરાબ કરી છે. નાના ઉદ્યોગોને ખૂબ જ નુકસાન થયું છે.

બેરોજગારોની હાલતનો ચિંતાર રજૂ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ૭૦ વર્ષમાં કોંગ્રેસે કાંઈ કર્યું નથી. તેવી વાતો કરી દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરનાર નરેન્દ્ર મોદીએ કેટલા યુવાનોને રોજગારી આપી ? ચોવીસ કલાકમાં ત્રીસ હજાર યુવાનો રોજગારી માટે માગ કરે છે. એમાંથી માત્ર ૪પ૦ને રોજગારી મળે છે. ચીનની સાથે સ્પર્ધાની વાત કરનાર ભાજપ સરકારને એ ખબર નથી કે ચીનમાં ચોવીસ કલાકમાં પ૦૦૦ લોકોને રોજગારી ચીન આપે છે. આજે દેશમાં રોજગારીની સમસ્યા છે. યુવાનો બેકાર છે ત્યારે સરકાર નિષ્ફળ ગઈ છે. નરેન્દ્ર મોદીએ સ્વીકારી લેવું જોઈએ કે તેઓ નિષ્ફળ ગયા છે. પોતે આપેલા વચનો પૂરા કરવામાં તેઓ ફેઈલ થયા છે. તેમણે ગુજરાતની વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતનું ચિત્ર જોઈ નરેન્દ્ર મોદીના ચહેરાની ચમક ઉતરી ગઈ છે. કેવો વિકાસ થયો છે. તે પ્રજા જાણી ગઈ છે. ગૌરવ યાત્રા, નર્મદા યાત્રા, આદિવાસી વિકાસ યાત્રા, જેવી જાત-જાતની વિકાસયાત્રા કાઢનારને ગુજરાતની પ્રજા ચૂંટણી વખતે બદલાવ યાત્રા કાઢશે. એમાં બે મત નથી.

તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવશે તો ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, ગરીબો માટે, તેમજ તમામ વર્ગના લોકો માટે કામ કરશે. ખેડૂતોની હાલત સુધારીશું, યુવાનોને રોજગારી આપીશું, તમારે મન કી બાત સાંભળવી નહીં પડે તમારા મનની વાત અમે સાંભળીશું, તમે ખુલ્લા મને મન કી બાત તમારી કોંગ્રેસ સરકારને કરી શકશો.

આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માલસિંહ, નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ જીતેન્દ્ર પટેલ (આઝાદ), ગગલભાઈ, દેવેન્દ્ર પટેલ, ગોકુલશાહ વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારીએ રાહુલ ગાંધીને રજૂઆત કરી

સમાનકામ સમાનવેતનની માગ સાથે છેલ્લા રર દિવસથી જિલ્લા કલેક્ટર કચેરીએ આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ તેમજ ફિક્સ પગાર કર્મચારીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમની વાત ભાજપ સરકારમાં સંભળાઈ નથી. આજે તેઓ રાહુલ ગાંધીની સભા સ્થળે આવ્યા હતા અને ભાજપ સરકારમાં થતું તેમનું શોષણ વિશે રાહુલ ગાંધીને વાત કરી હતી. રાહુલ ગાંધીએ તેમની વાત શાંતિથી સાંભળી હતી.

દેશનો વિકાસ થયો છે તેવું વડાપ્રધાન વાજપેયીએ લોકસભામાં કહ્યું હતું

ભાજપના નેતાઓ અવાર નવાર ભાષણોમાં કહે છે કે કોંગ્રેસે ૬૦ વર્ષમાં કંઈ નથી કર્યું તેનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ખુદ ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ એક સમયે લોકસભામાં કહ્યું હતું કે આ દેશનો વિકાસ થયો છે, જે કોઈ પાર્ટીએ નહીં પરંતુ લોકોએ કર્યો છે, લોકોએ જ આ દેશ બનાવ્યો છે.’ આમ પૂર્વ વડાપ્રધાન અટલજીના શબ્દોને સંબોધી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશનો વિકાસ નથી થયો તેવું કહેનારા, આ દેશના જ લોકો પર આંગળી ચિંધી રહ્યા છે.

Source: http://www.gujarattoday.in/%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A8/