ગુજરાતમાં બદલાવ આવે છે, મોદીના ચહેરા પરથી ચમક ઉતરી ગઇ- રાહુલ ગાંધી

divyabhaskar.com | Last Modified – Oct 10, 2017, 06:01 AM IST

આણંદ: નરેન્દ્ર મોદીને બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને જીત અપાવવા વિવિઘ પ્રકલ્પોના ઉદ્ઘાટન કરીને ગયા છે. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીવાર ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેમદાવાદના ખાત્રજ ખાતેની સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના દિલની વાત સાંભળતી નથી, કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા મનની વાત સાભળશે. તેમજ મોદીએ કોઇને પણ પૂછ્યા વગર નોટબંધી અને જીએસટી લાગુ કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. રાહુલ ગાંધીની યાત્રા સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે ફરી મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે અને તેના કારણે મોદીના ચહેરા પરથી ચમક પણ ઉતરી ગઇ છે.

દેશના ચોકીદારની સામે ચોરી થઇ, 50 હજારમાંથી 80 કરોડ બની ગયાઃ રાહુલ ગાંધી
પેટલાદ પહોંચેલી નવસર્જન યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહના પુત્રને લઇને થયેલા ખુલાસા અંગે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કાલે મને જાણવા મળ્યું કે, અમિત શાહના પુત્રની કંપનીને 16 હજાર ટકા ફાયદો મળ્યો છે. કંપની તો ઘણી જૂની છે અને 10-12 વર્ષથી કામ કરી રહી છે, પરંતુ તેને ફાયદો 2014 પછી શરૂ થયો. અજીબ દુનિયા છે. મોદી સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે. નોટી બંધી કરે, જીએસટી લાવે છે, નાના વેપારી અને ખેડૂતોને ખતમ કરી નાંખે છે, તેમાંથી એક કંપની ઉભી થાય છે, અમિત શાહના પુત્રની કંપની. આ છે મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયાનું ચિન્હ. શરૂઆતમાં આ કંપનીમાં 50 હજાર નાંખવામાં આવ્યા 2014 બાદ 80 કરોડ બની ગયા, છતાં મોદી એક શબ્દ નથી બોલી રહ્યાં. મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદીજી કહેતા હતા કે, હું પ્રધાનમંત્રી નથી બની રહ્યો દેશનો ચોકીદાર બની રહ્યો છું, ખબર નઇ કેમ ચોકીદાર હવે આટલા શાંત અને ચૂપ કેમ છે. ચોકીદારની સામે ચોરી થઇ છે, 50 હજારમાંથી 80 કરોડ બની ગયા અને દેશના ચોકીદાર ચૂપ છે.

વાજપાયીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વિકાસનું કામ કર્યું છેઃ રાહુલ ગાંધી
વાજપાયીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વિકાસનું કામ કર્યું છે. કોઇપણ હિન્દુસ્તાની હિન્દુસ્તાનના વિકાસ અંગે પ્રશ્ન ઉઠાવે તો તે હિન્દુસ્તાનના કરોડો લોકો પર પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. કારણ કે આ દેશને આ દેશની જનતાએ ઉભો કર્યો છે, કોઇ પાર્ટીએ કે વ્યક્તિએ ઉભો કર્યો છે. જ્યારે મોદી કહે છે કે 70 વર્ષમાં કંઇ નથી થયું તો તે કોંગ્રેસ સામે આંગળી નથી ઉઠાવી રહ્યાં તે તમારા માતા-પિતા, દાદા, પરદાદા અને તમારી પર ઉઠાવી રહ્યાં છે, આ દેશ અહીં સુધી પહોંચ્યો છે, તો એ હિન્દુસ્તાનના લોકોએ કર્યું છે. મોદી અને કોંગ્રેસ પાર્ટીમાં આટલો તફાવત છે. અમે દરેક હિન્દુસ્તાનીનો આદર કરીએ છીએ, અમે ક્યારેય નહીં કહીએ કે 70 વર્ષમાં દેશમાં કંઇ નથી થયું, કારણ કે આમ કહેવું એ હિન્દુસ્તાનની જનતા પર પ્રશ્ન ઉઠાવવા જેવો છે.

ગુજરાતમાં બદલાવ આવે છે, મોદીના ચહેરા પરથી ચમક ઉતરી ગઇઃ રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં બદલાવ આવે છે, મોદીના ચહેરા પરથી ચમક ઉતરી ગઇ છે. ક્યારેક મોદી વિકાસની વાત કરી રહ્યાં છે, તો ક્યારેક યાત્રાઓ કાઢે છે. પહેલા ગૌરવ યાત્રા પછી નર્મદા યાત્રા, આદિવાસી વિકાસ યાત્રા, વિકાસ યાત્રા, યાત્રાઓ જ કાઢી રહ્યાં છે. ચૂંટણીના દિવસે પોલિંગ બૂથમાં પણ એક વની યાત્રા નિકળશે, ગુજરાતમાં બદલાવ લાવવાની યાત્રા, ગુજરાતનો અવાજ સાંભળવાની યાત્રા, ગુજરાતના લોકો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ 22 વર્ષથી પાર્ટી સાથે છે એ હું ક્યારેય નહીં ભૂલું. ટિકીટ વખતે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવશે, ગુજરાતના લોકોની સરકાર બનશે. સરકાર બનશે એ તમારી વાત સાંભળશે.

ગુજરાતના દિલમાં જે અવાજ છે તે 22 વર્ષથી રાજ્ય સરકાર નથી સાંભળતી
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનું પહેલું કામ જે પણ આવે તેની વાત સાંભળવી, વિકાસનું કોઇપણ કામ કરવાનું હોય, સાંભળ્યા વગર તે કરી શકાય નહીં. રાજ્યમાં 22 વર્ષથી જે સરકાર છે એ ગુજરાતના દિલમાં જે અવાજ છે, ખેડૂત, મજૂર, મહિલા કે નાના વેપારીઓ જે કહેવા માગે છે, તે સાંભળી રહી નથી. હું તમારું દર્દ સમજું છું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જે અમારા મનની વાત નહીં પણ તમારા મનની વાત સાંભળશે.

મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું, જીએસટીએ કોંગ્રેસનો વિચાર છે, આખા ભારતમાં એક ટેક્સ હોવો જોઇએ અને તેની લિમિટ 18 ટકા હોવી જોઇએ. અમે જનતા પાસે ગયા તેમને પૂછ્યું કે તમારે શું જોઇએ છે. તેમને અમને ત્રણ સૂચનો આપ્યા, એક ટેક્સ હોય, ટેક્સ ભરવાનું ફોર્મ એક હોય અને લિમિટ ઓછી હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ કોઇને પણ કંઇ પૂછ્યા વગર 24 કલાકમાં રાત્રે 12 વાગ્યે જીએસટી લાગી કરી દીધી. ભાજપે તમારા મનની વાત સાંભળી નહીં, અમારી વાત પણ સાંભળી નહી. 28 ટકા ટેક્સ લાગુ કર્યો, પાંચ અલગ-અલગ ટેક્સ, દરેક પ્રદેશમાં જીએસટી નંબર લો, ટેક્સ ભરવા માટે ત્રણ-ત્રણ ફોર્મ ભરવા પડે છે. એક નાનો વેપારી મહિનામાં ત્રણ ફોર્મ કેવી રીતે ભરી શકે. જેનું કારણ એ થયું નાના વેપારીઓ ખતમ થઇ ગયા, બેરોજગારી વધી અને નુક્સાન થયું. નોટબંધી વખતે પણ મોદીએ કોઇને પૂછ્યું નહીં, લાખો લોકોએ નુક્સાન કર્યું.

– રાહુલ ગાંધીની ગુજરાત નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી. આ તકે મોટી માત્રામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં
– રાહુલ ગાંધી હાથીજણ પહોંચ્યા, જ્યાં રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું

રાહુલ ગાંધી નિર્ધારિત સમય કરતા વહેલા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદથી બસ યાત્રા કરીને મધ્ય ગુજરાતમાં બસ યાત્રા થકી રોડ શો અને સભા કરી રહ્યાં છે. વડોદરા ખાતે પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરશે. તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ પહેલી રાત્રે વડોદરામાં રાત્રિ રોકાણ કરશે.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-rahul-gandhi-gujarat-visit-first-day-night-hold-at-vadodara-gujarati-news-5716010-PHO.html