ગુજરાતના દિલની વાત રાજ્ય સરકાર 22 વર્ષથી નથી સાંભળતી- રાહુલ

divyabhaskar.com | Last Modified – Oct 09, 2017, 12:50 PM IST

આણંદ: મહેમદાવાદના ખાત્રજ ખાતેની સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર 22 વર્ષથી ગુજરાતના દિલની વાત સાંભળતી નથી, કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા મનની વાત સાભળશે. તેમજ મોદીએ કોઇને પણ પૂછ્યા વગર નોટબંધી અને જીએસટી લાગુ કરી દીધી હોવાનું પણ જણાવ્યું હતું.

ગુજરાતના દિલમાં જે અવાજ છે તે 22 વર્ષથી રાજ્ય સરકાર નથી સાંભળતી
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસનું પહેલું કામ જે પણ આવે તેની વાત સાંભળવી, વિકાસનું કોઇપણ કામ કરવાનું હોય, સાંભળ્યા વગર તે કરી શકાય નહીં. રાજ્યમાં 22 વર્ષથી જે સરકાર છે એ ગુજરાતના દિલમાં જે અવાજ છે, ખેડૂત, મજૂર, મહિલા કે નાના વેપારીઓ જે કહેવા માગે છે, તે સાંભળી રહી નથી. હું તમારું દર્દ સમજું છું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે, જે અમારા મનની વાત નહીં પણ તમારા મનની વાત સાંભળશે.

મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું, જીએસટીએ કોંગ્રેસનો વિચાર છે, આખા ભારતમાં એક ટેક્સ હોવો જોઇએ અને તેની લિમિટ 18 ટકા હોવી જોઇએ. અમે જનતા પાસે ગયા તેમને પૂછ્યું કે તમારે શું જોઇએ છે. તેમને અમને ત્રણ સૂચનો આપ્યા, એક ટેક્સ હોય, ટેક્સ ભરવાનું ફોર્મ એક હોય અને લિમિટ ઓછી હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ કોઇને પણ કંઇ પૂછ્યા વગર 24 કલાકમાં રાત્રે 12 વાગ્યે જીએસટી લાગી કરી દીધી. ભાજપે તમારા મનની વાત સાંભળી નહીં, અમારી વાત પણ સાંભળી નહી. 28 ટકા ટેક્સ લાગુ કર્યો, પાંચ અલગ-અલગ ટેક્સ, દરેક પ્રદેશમાં જીએસટી નંબર લો, ટેક્સ ભરવા માટે ત્રણ-ત્રણ ફોર્મ ભરવા પડે છે. એક નાનો વેપારી મહિનામાં ત્રણ ફોર્મ કેવી રીતે ભરી શકે. જેનું કારણ એ થયું નાના વેપારીઓ ખતમ થઇ ગયા, બેરોજગારી વધી અને નુક્સાન થયું. નોટબંધી વખતે પણ મોદીએ કોઇને પૂછ્યું નહીં, લાખો લોકોએ નુક્સાન કર્યું.

– રાહુલ ગાંધીની ગુજરાત નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી. આ તકે મોટી માત્રામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં
– રાહુલ ગાંધી હાથીજણ પહોંચ્યા, જ્યાં રાહુલનું સ્વાગત કરવામાં આવ્યું

રાહુલ ગાંધી નિર્ધારિત સમય કરતા વહેલા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદથી બસ યાત્રા કરીને મધ્ય ગુજરાતમાં બસ યાત્રા થકી રોડ શો અને સભા કરી રહ્યાં છે. વડોદરા ખાતે પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરશે. તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ પહેલી રાત્રે વડોદરામાં રાત્રિ રોકાણ કરશે.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-rahul-gandhi-gujarat-visit-first-day-night-hold-at-vadodara-gujarati-news-5716010-PHO.html?ref=ht