ગુજરાતમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડરની નિમણૂક આપવામાં સરકાર નિષ્ફળ : પરેશ ધાનાણી
અમરેલી, તા.૬
ગુજરાતમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણૂક આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે સત્વરે નિમણૂક કરવા સરકાર ક્યારે જાગશે. આ પ્રશ્ન અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો છે.
કમાન્ડિંગ જનરલ હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા દૈનિક પત્રોમાં જાહેરાત આપી જિલ્લા હોમગાર્ડ કમાન્ડની ભરતી થવા ઈચ્છુકો પાસેથી તમામ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવેલ જેને આજે બે વર્ષ થયા છતાં સરકાર દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક આપવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે, ગૃહ વિભાગ દ્વારા આ નિમણૂકોને આખરી ઓપ ક્યારે આપવામાં આવશે જેની હોમગાર્ડ જવાનો રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા હોમગાર્ડના જવાનોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી શક્તિ હોય તો જિલ્લા કમાન્ડન્ટની નિમણૂક શા માટે કરતી નથી. જિલ્લા કક્ષાએ હોમગાર્ડ કચેરી ઘણા વર્ષ થયા ચાર્જમાં ચાલે છે, અધિકારી તેમની કામગીરીમાં પહોંચી શકતા ન હોવાથી હોમગાર્ડ કામગીરીમાં પૂરતો સમય ફાળવી ન શકતા હોવાથી જીલ્લા હોમગાર્ડ કચેરી મૃત અવસ્થામાં કામગીરી કરે છે અને હોમગાર્ડ જવાનોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી જિલ્લા હોમગાર્ડ, કમાન્ડન્ટની નિમણૂક માટે એક માત્ર આશાનું કિરણ છે, જેઓ સત્વરે ગૃહ વિભાગમાં ગ્રહણ લાગેલ ફાઈલો મંગાવી નિમણૂકના આદેશો કરાવશે તેવી લોકમુખે ચર્ચા થાય છે. નિષ્કામ સેવાના ભાગરૂપે ગુજરાત સરકાર ત્વરિત નિમણૂકના હુકમો ગાંધીનગર બોલાવી નવાજશે ગતિશીલ ગુજરાત નમૂનારૂપ વહીવટનો દાખલો બેસાડે અને હોમગાર્ડમાં નવું જોમ લાવવા સરકાર સત્વરે નિર્ણય કરશે જેથી પોલીસને મદદમાં કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થાય. સેનાપતિ વગરની સેનામાં નવું જોમ અને જુસ્સો આવશે તો સરકારને પણ હોમગાર્ડની નિસ્કામ સેવાની કામગીરીનો અહેસાસ થશે.
Source: http://www.gujarattoday.in/gujarat-ma-jilla-homgard/