૯થી ૧૧ ઓકટોબર રાહુલ ગાંધી ફરી વાર ગુજરાત પ્રવાસે
તાજેતરમાં જ સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તારીખ 9થી 11 ઓક્ટોબરનાં રોજ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેથી રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસને લઇ આખરી ઓપ અપાઇ રહ્યો છે. રાહુલ ગાંધી મધ્ય ઝોનમાં ત્રણ દિવસનાં પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેમનાં આ પ્રવાસને લઇ સમગ્ર કાર્યક્રમ અહીં રજૂ કરવામાં આવે છે.
રાહુલ ગાંધી આ યાત્રા દરમ્યાન સાત જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં ખેડા જિલ્લાનાં મહેમદાબાદથી તેઓ યાત્રાનો પ્રારંભ કરશે. ખેડાથી રાહુલ ગાંધીની આ યાત્રા આણંદ જિલ્લામાં યોજવામાં આવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી આણંદથી વડોદરા અને છોટા ઉદેપુર જશે. છોટા ઉદેપુર થઇને પંચમહાલ જિલ્લામાં રાહુલ ગાંધી પ્રવેશ કરશે. પંચમહાલ થઇને તેઓ મહિસાગર જિલ્લામાં જશે. અને અંતમાં રાહુલ ગાંધીની યાત્રા તેઓ દાહોદ જિલ્લામાં સંપન્ન કરશે.
રાહુલ ગાંધી ત્રણ દિવસમાં 500થી વધારે કિ.મીની યાત્રા કરશે. જેથી રાહુલ ગાંધીનાં પ્રવાસની પ્રાથમિક કામગીરી પુર્ણ થઇ જશે. બીજા તબક્કામાં પણ રાહુલ ગાંધી સોફટ હિન્દુત્વનો રસ્તો અપનાવશે. રાહુલનાં પ્રવાસમાં ચારથી પાંચ યાત્રાધામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર રાહુલ ગાંધી બે થી ત્રણ યાત્રાધામે જઇ શકે છે. સરદારની ભુમિ કરમસદ, પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શને તેમજ ડાકોર મંદીરની મુલાકાત લેવા પણ રાહુલ ગાંધી જઇ શકે છે. આ સિવાય પાટીદાર, ઠાકોર તેમજ આદિવાસી વિસ્તારને પણ રાહુલ ગાંધી પ્રાધાન્ય આપી શકે છે.
Source: http://sambhaavnews.com/gujarat/rahul-gandhis-3-day-visit-to-gujarat/