કોંગ્રેસે પ્રહાર કરતાં વહીવટી તંત્રે રાહુલ ગાંધીને અમેઠી જવાની મંજૂરી આપી
– અંતે રાજ્ય સરકાર ઝુકી ગઇ
– યોગી સરકારને ડર હતો કે રાહુલની મુલાકાતથી અમીત શાહનો શો ફલોપ જશે
(પીટીઆઇ) અમેઠી, તા. 2 ઓક્ટોબર, 2017, સોમવાર
અમેઠીની મુલાકાતને મોકુફ રાખવાની વણ માગી સલાહ આપતાં ભારે ટીકાનો ભોગ બનેલા અમેઠીના વહીવટી તંત્રે આજે રાહુલની બુધવારથી શરૃ થતી ત્રણ દિવસની મુલાકાતની મંજૂરી આપી દીધી હતી. અમેઠી જિલ્લા કલેકટર યોગેશ કુમારે લુલો બચાવ કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીને તેમના મત વિસ્તાર અમેઠીની મુલાકાત લેવા માટે ક્યારે ના પાડવામાં આવી નહતી. પરંતુ તેમને સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં લઇને મુલાકાત મોકુફ રાખવા વિનંતી કરી હતી.
પરંતુ કોંગ્રેસે આ વાતને ગંભીરતાથી લઇને વહીવટી તંત્ર અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વડા રાજ બબ્બરે વહીવટી તંત્રની આ હરકતને ‘કાયરતાભરી અને બીકણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રદેશની સરકારને ડર હતો કે તેમની મુલાકાતથી દસની ઓકટોબરનીભાજપના પ્રમુખ અમીત શાહ અને કેન્દ્રના મંત્રીઓની મુલાકાત ઢંકાઇ જશે અને માધ્યમોમાં રાહુલ છવાઇ જશે. જિલ્લા કોંગ્રેસ વડાએ કહ્યું હતું કે પ્રદેશના ભાજપ સરકાર રાહુલ ગાંધીની સુચિત મુલાકાતથી ગભરાઇ ગઇ છે.
‘ રાહુલ ગાંધીએ ચાર થી છ ઓકટોબર સુધી તેમના લોકસભાના મત વિસ્તારની મુલાકાતની દરખાસ્ત મોકલી હતી, પરંતુ અમે મોહર્રમ અને દશેરાને ધ્યાનમાં લઇને અમે તેમને મુલાકાત મોકુફ રાખવા વિનંતી કરી હતી’એમ તેમણે કહ્યું હતું.
‘ મોહર્રમ અને દશેરાના કારણોે અમે જિલ્લા કોંગ્રેસના પ્રમુખને તેમના એક ગોપનીય પત્ર લખી મુલાકાત ૨૪થી ૪૮ કલાક સુધી મોકુફ રાખવા વિનંતી કરી હતી’એમ જિલ્લા મેજીસ્ટ્રેટએ પત્રકારોને કહ્યું હતું. ેજિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાના કારણે મુલાકાતને ફરી કોઇ દિવસે રાખવા રાહુલ ગાંધીને કહ્યા પછીના બીજા જ દિવસે કોંગ્રેસે ભારે પ્રહાર કરતાં મંજૂરી આપી દેવાઇ હતી.
Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/heavy-telegram-allowed-rahul-gandhi-to-go-to-amethi