આજથી મિશન ગુજરાત પર રાહુલ ગાંધી: દ્વારકાધીશના દર્શન કરી શરૂ કર્યો ભવ્ય રોડ શો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂકયા છે. તેઓ મીઠાપુર એરપોર્ટથી ઉતરી સીધા દ્વારકાધીશના દર્શને પૂજા અર્ચના કરી ભવ્ય રોડ શો શરૂ કર્યો. આજે સૌરાષ્ટ્રના ધરા પરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જ્યારે રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જોકે આ પહેલા રાહુલ ગાંધી ભાટીયા ગામમાં પહોંચ્યા હતાં જ્યાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. રાહુલ ગાંધીએ ભાટીયાથી હાંજડાપર ગામમાં ખાટલા સભા સંબોધી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

હાંજડાપરમાં રાહુલ ગાંધીએ ખાટલા સભા સંબોધી
આ ગામમાં રાહુલ ગાંધી બળદગાડામાં પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ખાટલા પરિષદ સંબોધી હતી. દરેક નેતા કહે છે કે ખેડૂતે પોતાનું લોહીપાણી આપ્યુંને દેશે ખેડૂતને બનાવ્યો. જ્યારે ખેડૂતને મદદ કરવાની વાત આવે છે ત્યારે બધા શાંત થઇ જાય છે. રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે ગુજરાતની સરકાર વિચારે છે શિક્ષણ, હોસ્પિટલનું ખાનગીકરણ કરી દો. જ્યાં જુઓ ત્યાં ખાનગીકરણ થઇ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ગરીબ વ્યક્તિ સ્કૂલોમાં પૈસા આપી શકતી નથી. સરકારનું કામ હોય છે લોકોને શિક્ષણ આપવાનું અને લોકોની દેખરેખ રાખવાનું. સૌથી વધુ પૈસા સ્વાસ્થ્ય અને શિક્ષણમાં જવા જોઇએ. ભારતના સૌથી ધનિક લોકોને જે શિક્ષણ મળે છે તે શિક્ષણ દરેકને મળે તે કૉંગ્રેસ ઇચ્છે છે. તમારી જમીન જેને તમે માતા કહો છે તે બે મિનિટમાં તમારી પાસેથી છીનવાય જાય છે. કોઇ ઉદ્યોગપતિને જોઇતી હોય તો બે મિનિટમા નીકળી જાય છે. તમે પાણી, વીજળીની વાત કરી મોટા ઉદ્યોગપતિને બે મિનિટમાં મળી જાય છે. તમને આપવાની વાત હોય છે તો વર્ષો વીતી જાય છે અને કયારેય આવતી નથી. અજીબ વાત છે દેશને તમે બનાવ્યો ને તમને ભૂલી જવાનું કહે છે, સંપૂર્ણ ફાયદો ભારતના 5-7 લોકોને મળે છે. આ મને ખોટું લાગે છે. હું ઉદાહરણ આપું નાનકડું તેમ કહેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા ભારત સરકારે 15 સૌથી મોટા ઉદ્યોગપતિના માફ કર્યા. ખેડૂતો પૈસા જમા ના કરાવે તો ડિફોલ્ટર્સ અને બીજાને નોન પર્ફોમિંગ એસેટ કહેવાય છે. આવું કેમ થાય છે? જો ઉદ્યોગપતિને પાણી મળે તો તમને મળવું જોઇએ તેનું દેવું માફ થાય છે તો તમારુ પણ થવું જોઇએ.

http://sandesh.com/rahul-gandhi-on-a-three-day-gujarat-visit-meeting-with-farmers-traders-on-agenda/