કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં કાર્યક્રમ
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય મળે અને જે રીતે પાટીદાર યુવાનનું કસ્ટડીમાં મોત થયું છે તે બનાવની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને જવાબદાર સામે ૩૦૨ નો ગુન્હો દાખલ કરવો જોઈએ. નવેસરથી કરેલ પોસ્ટમોટર્મનો રીપોર્ટ તાત્કાલિક મળવો જોઈએ. રાજ્યમાં ખેડૂતોના પ્રશ્ને, મહેસાણામાં બનેલ દુઃખદ અને બર્બરતાપૂર્વક ઘટના અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પૂ. મહાત્મા ગાંધી વિશે અપમાનજનક નિવેદન બદલ ભાજપ અધ્યક્ષ માફી માંગે તેવી માંગ સાથે ગુજરાતના ૩૩ જિલ્લા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં પ્રદર્શન બાદ કલેક્ટરશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
 
						















































