“જનઆક્રોશ રેલી”

“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ઈતિહાસ તપાસી હિસાબ લેવાની વાત કરનાર ભાજપ અને તેના મુખીયાઓ જ્યારે અભ્યાસ કરશે ત્યારે કોંગ્રેસ પક્ષના ઈતિહાસમાં ત્યાગ, બલિદાન, સમર્પણની ભાવના સાથે આઝાદીની જંગમાં આપેલા યોગદાન-દેશભક્તિ જાણવા મળશે. જ્યારે ભાજપ-જનસંઘનો ઈતિહાસ ગદ્દારી અને છેતરપીંડીથી ભરેલો છે. ત્યારે ભાજપ કયાં મોંઢે દેશભક્તિના સર્ટીફીકેટ વહેંચવા નીકળ્યું છે. કેન્દ્રની ભાજપની સરકાર પ્રજાને આપેલા વચનો, વાયદાઓ પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ જતાં નોટબંધીના નામે પ્રજા પર પાબંદી લાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરીને ત્રાસદાયક સ્થિતિમાં મુકી દીધી છે. દેશમાંથી કાળુધન સંપૂર્ણ રીતે ખતમ થાય તે માટે કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા સરકારને સહયોગ કરવા તૈયાર છે પરંતુ ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા રોજેરોજ તઘલખી નિર્ણયો કરીને દેશની જનતાને એક ભયના માહોલમાં મુકી દીધી છે.