જન આક્રોશ સપ્તાહ – ૨૬/૧૧/૨૦૧૬

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો સતત ૧૮ માં દિવસે  પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરોમાં સતત ચોથા  દિવસે પ્રજાહિતમાં બાઈક-સ્કૂટર રેલીમાં મોટા પાયે કાર્યકરો-આગેવાનો જોડાઈ ભાજપ સરકારની નિતી અને નિયત પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ કૂંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલ ભાજપ શાસકોને જગાડવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી ચેતન રાવલના નેતૃત્વ હેઠળ આજરોજ બપોરે ૨-૦૦ કલાકે પૂ. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી ૫૦૦ થી વધુ બાઈક-સ્કૂટર ચાલકોએ ભાજપ સરકારના નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર આશ્રમ રોડ પર બાઈક રેલીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા હતા.