જન આક્રોશ સપ્તાહ – ૨૫/૧૧/૨૦૧૬

કેન્દ્રની ભાજપની સરકાર પ્રજાને આપેલા વચનો, વાયદાઓ પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ જતાં નોટબંધીના નામે પ્રજા પર પાબંદી લાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરીને ત્રાસદાયક સ્થિતિમાં મુકી દીધી છે. દેશમાંથી કાળુધન સંપૂર્ણ રીતે ખતમ થાય તે માટે કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા સરકારને સહયોગ કરવા તૈયાર છે પરંતુ ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા રોજેરોજ તઘલખી નિર્ણયો કરીને દેશની જનતાને એક ભયના માહોલમાં મુકી દીધી છે. ભ્રષ્ટાચારી-કાળાબજારીયા, ધનાઢ્ય, ઉદ્યોગપતિઓ પાસેથી કાળુધન બહાર લાવવાના બદલે સમગ્ર દેશની જનતાને બેન્કોની લાઈનોમાં કલાકોના કલાકો ઉભા રહેવા છતાં પોતાના પરસેવાની કમાણીનો પોતે ઉપયોગ ન કરી શકે તેવો અણઘડ અને અંધાધૂધીભર્યો નિર્ણય કરીને ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, શ્રમિકો, સામાન્ય-મધ્યમવર્ગ, નાના વેપારીઓની આજીવિકા પર જીવલેણ તરાપ મારી છે.