મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ હવે સસ્તી શાકભાજી વેચશે
શાકભાજી,દુધ, પેટ્રોલ-ડિઝલ સહિત જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારા સામે કોંગસે ભાજપને ભીંસમાં લેવાનું ટાઇમ-ટેબલ બનાવ્યું છે. જેમાં સેક્ટર-૨૧ શાકમાર્કીટમાં ગુરુવારે દેખાવો અને વિરોધ કરીને ત્યાર બાદના અઠવાડિયામાં સસ્તાભાવે રહિશોને શાકભાજી વેચવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારી શાસનના લીધે બેફામ વધી રહેલી મોંઘવારીનો વિરોધ કરવામાં આવશે. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું કે મોંઘવારી અને પ્રજાના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા સતત એક સપ્તાહ સુધી કાર્યક્રમો આપવામાં આવનાર છે જેના ભાગરૃપે આવતીકાલે તા.ર૩ જુનના રોજ સાંજે પ કલાકે સે-ર૧ શાકમાર્કેટ ખાતે ધરણાં અને દેખાવ કરવામાં આવશે. ત્યારબાદ આગામી અઠવાડીયામાં ગાંધીનગર શહેર અને જિલ્લાના રહીશોને સસ્તાભાવે શાકભાજી મળી રહે તે માટે કોંગ્રેસ લારીઓમાં શાકભાજી પણ વેચશે.
જ્યારે તા.ર૪ જુનના રોજ સવારે ૧૧ કલાકે શિક્ષણના વ્યાપારીકરણ સામે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જઈને એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ જિલ્લામાં વિરોધ અને દેખાવ પ્રદર્શન કરાશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar-gujarat-congress-vegetables