વડોદરા: બહુ પડયો મોંઘવારીનો માર, કોંગ્રેસનું 23મીથી આંદોલન
ભાજપના શાસનમાં ગુજરાત અને દેશમાં મોંઘવારીએ માઝા મૂકતાં મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીને કારણે નાગરિકોનું જનજીવન દુષ્કર બનતાં તેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બુધવાર તા.23 થી 29 જૂન સુધી વડોદરા શહેરમાં આંદોલન અંતર્ગત રોજ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરાઇ છે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે વડોદરામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં અચ્છે દિન આયેગેં તેમજ બહોત પડી મહેંગાઇ કી માર, અબકી બાર મોદી સરકારનાં સૂત્રોથી લોકોની આંખે પાટા બાંધી સત્તા મેળવી હતી. જો કે, કેન્દ્રમાં ભાજપ શાસનની અડધી ટર્મ પૂરી થઇ ગઇ છતાં મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી. આજે જીવન-જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં 150 થી 300 ટકાનો વધારો થતાં ગુજરાતની 6.50 કરોડની અને દેશની 125 કરોડની જનતા મોંઘવારીમાં પીસાઇ રહી છે.
પટેલે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના રાજમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો બેફામ ભાવવધારો થયો છે. તેમજ સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ સામે ભાજપ સરકાર ઘૂંટણિયે પડી ગઇ હોઇ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત શિક્ષણનું વ્યાપારીકરણ થવાથી મધ્યમવર્ગ સહિતના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારીના સંદર્ભમાં ઊભી થયેલી પરિસ્થિતિને કારણે લોકોની સમસ્યાને વાચા આપવા તા.23 થી 29 જૂન સુધી આંદોલનના કાર્યક્રમો યોજાશે.
વડોદરામાં તા.23મીએ શાકભાજીના ભાવવધારાના મુદ્દે, તા.24 મીએ શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં, તા.25 મીએ ખાદ્ય તેલના ભાવવધારા સામે, તા.26 જૂને મોંઘવારીના પૂતળાનું દહન, તા.27મીએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં અને તા.28મીએ રહેણાકના વીજબિલમાં વધારાના વિરોધમાં કાર્યક્રમો યોજાશે. પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગિરી ગોસ્વામીને વોર્ડ નં.12 માંથી કોંગ્રેસની ટિકિટ આપ્યા બાદ પ્રદેશ શિસ્ત સમિતિ દ્વારા આ મુદ્દે શહેર કોંગ્રેસના આગેવાનોનાંં નિવેદનો લેવાઇ રહ્યાં છે તેમ ટાંક્યું હતું.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-congress-will-be-held-movement-against-inflation-5354977-NOR.html