ગૌરવંતા ગુજરાતના સ્થાપના દિન તેમજ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ

ગુજરાતના ગોરવવંતા સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય કામદાર દિને પૂ. રવિશંકર મહારાજ, ઈન્દુચાચા અને મહાગુજરાતની લડતમાં નામી-અનામી શહીદોને યાદ કરીને ગુજરાતનો સર્વાંગી વિકાસ-સંતુલિત વિકાસ માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોને પ્રતિબધ્ધતાથી આગળ વધવા માટે અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પૂ. રવિશંકર મહારાજ અને ઈન્દુચાચાએ ગુજરાતની સ્થાપના સમયે શાસકોને જે સિધ્ધાંતો અને જે બાબતો અંગે જણાવ્યું હતું કે, આજના ભાજપના શાસકો સાદગીને ઠેકાણે પાડીને બેફામ ખર્ચા કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. છેવાડાના ગુજરાતીની કલ્યાણની ભાવના ભાજપ શાસકોએ અભરાઈ ચડાવી દીધી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. – કે.જી.બેસીનનો રૂા. ૨૦,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કેગે ઉજાગર કર્યો છે. તે અંગે ભાજપ મૌન છે અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે બીજો ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. મહાગુજરાતની લડતમાં જનસંઘ અને હાલના ભાજપના કોઈ નેતાએ યોગદાન આપ્યું નથી. રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી છે. ૮ હજાર ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં ભાજપ શાસકો ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત છે.